જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર લાખાબાવળ પાસે દેવભૂમિ-દ્વારકા એ.સી.બી.ની કારને નડ્યો અકસ્માત
- અન્ય કારના ચાલકે સાઇડ આપ્યા વિના ટર્ન લેતાં એસીબીની સરકારી બોલેરો ટકરાઇ જતાં ટાયર ફાટ્યું
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૯ ફેબ્રુઆરી ૨૪, જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર લાખાબાવળ ગામના પાટીયા પાસે એક કારના ચાલકે સાઈડ આપ્યા વિના એકાએક ટર્ન લેતાં પાછળ આવી રહેલી દેવભૂમિ દ્વારકા જિલ્લાની એ.સી.બી.ની સરકારી બોલેરો કાર અકસ્માતે ટકરાઈ ગઈ હતી, અને સરકારી વાહનનું ટાયર ફાટ્યું હતું, જ્યારે બોનેટ તૂટી ગયું હતું.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના એ.સી.બી.ના એ.એસ.આઇ. નારાયણભાઈ પરબતભાઈ ગાગીયા કે જેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી બોલેરો કારમાં બેસીને ખંભાળિયા થી જામનગર તરફ આવી રહ્યા હતા, જે દરમિયાન આગળ જઈ રહેલી જી.જે.-૩ એમએચ ૮૨૦૬ નંબર ની આર્ટિગા કાર ના ચાલક રાજકોટના મુકેશભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલાએ કોઈપણ પ્રકારની સાઈડ આપ્યા વિના એકાએક ટર્ન લેતાં પાછળથી આવી રહેલી સરકારી બોલેરો ટકરાઈ ગઈ હતી.
જે અકસ્માતમાં સરકારી બોલેરો ધડાકાભેર અથડાયા પછી રોડથી નીચે ઉતરી ગઈ હતી, અને તેનું ટાયર ફાટી ગયું હતું, જ્યારે બોનેટમાં પણ નુકસાની થઈ હતી. સદભાગ્ય તેમાં બેઠેલા પોલીસ સ્ટાફને કોઈ ઈજા થઈ ન હતી. પરંતુ આગળ જઈ રહેલી અર્ટિગા કારમાં બેઠેલા એક મહારાષ્ટ્રના યુવાનને ઈજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ હતી.
આ અકસ્માતના બનાવની જાણ થતાં સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ સી.ડી.ગાંભવા બનાવ સ્થળે દોડી ગયા હતા, અને સરકારી બોલેરો માં બેઠેલા દેવભૂમિ દ્વારકા ના એએસઆઈ નારણભાઈ પરબતભાઈ ગાગીયા ની ફરિયાદના આધારે આર્ટીગા કારના ચાલક મુકેશ વિઠ્ઠલભાઈ વાઘેલા સામે અકસ્માત અંગે ગુનો નોંધ્યો હતો, અને તેની અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.