જામનગરના આમરા ગામે રોટલાને કુવામાં નાખી દિશા પરથી વરતારો નક્કી કરવાની અનોખી પરંપરા
- જામનગરના આમરા ગામના ખેડૂતો માટે તો અષાઢ મહિનાના પ્રથમ સોમાવરે થતી આગાહી જ મહત્વની હોય છે : ગ્રામજનોએ સારા વર્ષની આશા વ્યક્ત કરી
- રોટલાને કુવામાં નાખી દિશા પરથી વરતારો નક્કી કરવાની પ્રથા 400 કરતાં વધુ વર્ષથી ચાલી આવે છે.
આ પ્રથા મુજબ ગામ લોકો અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ગામમાં એકઠા થાય છે. ત્યારબાદ રોટલા તૈયાર કરી ગામ લોકો વાજતેગાજતે ગામમાં આવેલા વેરાઈ માતાજીના મંદિરે પહોંચે છે. જયાં જે વ્યકિત રોટલાને કુવામાં પધરાવે છે તે વ્યકિતને સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ રોટલાને ઉપરથી કુવામાં પધરાવવામાં આવે છે. રોટલા કુવામાં પધરાવ્યા બાદ ગામના વડીલો રોટલા કઈ દિશામાં જાય છે તેના પર નજર રાખે છે. ગામના વડીલોનું માનીએ તો જો રોટલા પૂર્વ કે ઈશાન બાજુ જાય તો વર્ષ સારૂ રહે છે અને આથમણી દિશામાં જાય તો વર્ષ થોડું નબળું પડે છે. રોટલાના વરતારો વિશે જાણવા મોટી સંખ્યામાં એકઠા થાય છે.
એક સમય હતો કે આમરા ગામમાં અષાઢ મહિનાના પ્રથમ સોમવારે જ્યારે રોટલાથી વરતારો થતો ત્યારે આસપાસના 20 ગામના લોકો આ વરતારો જાણવા અહીં આવી પહોંચતા. જો કે, આજે વર્ષો બાદ આસપાસના ગામલોકો અહીં નથી પહોંચતા, પરંતુ, આમરા ગામના લોકોએ તો આજે પણ આ પ્રથાને જાળવી રાખી છે. જેઓ આજે પણ જે રીતે વરતારો થાય છે તેના આધારે જ શેની વાવણી કરવી તેનો નિર્ણય કરે છે.. ….