Home Gujarat Jamnagar જામનગરના આમરા ગામે કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો મેળવવાની પરંપરા નિભાવાઈ

જામનગરના આમરા ગામે કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો મેળવવાની પરંપરા નિભાવાઈ

0

જામનગર તાલુકાના આમરા ગામે કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો મેળવવા ની પરંપરા નિભાવાઈ

  • આમરા ગામમાં વરસાદનો વરતારો મેળવવાની સદીઓ જૂની પરંપરા: ૧૪ થી ૧૬ આની વરસાદ ના મળ્યા સંકેતો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૮ જુલાઈ ૨૪, જામનગર નજીકના આમરા ગામમાં રોટલાથી વરસાદનો વરતારો જોવાની સદીઓથી વધુ પુરાણી પરંપરા છે. અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ગામમાં ભમરિયા કૂવામાં રોટલા પધરાવી, ખેતી પ્રધાન ગામડાના વરસના ભાવિનું અનુમાન નક્કી કરવામાં આવે છે. દરમિયાન આજે ગ્રામજનોની હાજરીમાં પૂજા અર્ચન બાદ આ વિધી સંપન્ન થઇ હતી, અને સારા ચોમાસાના એંધાણ મળ્યા હતા.

જામનગર તાલુકાનું અમારા એક એવુ ગામ, કે જ્યાં અનોખી રીતે વરસાદનો વરતારો કરવામાં આવે છે. જામનગર નજીકના આમરા ગામમાં દર વર્ષે અષાઢ માસના પ્રથમ સોમવારે કૂવામાં રોટલો પધરાવી તેની દિશાના આધારે વરસાદનો વરતારો જોવામાં આવે છે.આ દિવસે ગ્રામજનો ગામમાં ઢોલ નગારાની સાથે અને તાલે ઉમટી પડે છે. ગામના સતવારા પરિવારના ઘરે બનેલો બાજરીનો રોટલો, વાણંદના હાથે મંદિર સુધી લઇ જવામાં આવે છે.

ત્યાર પછી કુવા કાંઠે આવેલા સતી માતાજીના મંદિરે પ્રથમ પૂજા અર્ચના થાય છે, અને ત્યારબાદ ગામના ભમ્મરિયા કૂવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે કૂવામાં રોટલો પધરાવાય છે. કૂવામાં પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે ? તેનું અનુમાન કરવામાં આવે છે.આ વખતે રોટલો કૂવાની વચ્ચોવચ પડી ઇસાન ખૂણા તરફ ગયો હતો. જે અતિ શુભ સંકેત હોવાનુ ગ્રામજનોએ જણાવ્યુ છે. આ વર્ષે ૧૪ થી ૧૬ આની રહેશે એટલે કે મોડુ વાવેતર છતાં પાછોતરા વરસાદ સમયે વર્ષે, સારૂ રહેશે. અને મબલખ પાક ઉતરશે. તેવો ગ્રામજનોએ આશાવાદ સેવ્યો છે.

દરવર્ષે અષાઢના પ્રથમ સોમવારે સમસ્ત ગામના લોકો ભેગા મળીને આ પરંપરાને આખરી રૂપ આપે છે. આ વિધિ પૂર્વે મંદિરની પૂજા કરીને ધજા ચઢાવાય છે. સદીઓ પૂર્વે ખેતે ભાત લઇને જતી એક મહિલાના હાથમાંથી ચોક્કસ શખ્સે રોટલો ઝુંટવી લીધો હતો. જેને લઇને ગામ ઉપર આફત આવી હતી. આફત નિવારણ થઇ ત્યારથી આ રસમ દર વર્ષે ચાલી આવતી હોવાનુ ગ્રામજનો કહે છે.

કઇ દિશામાં રોટલો પડે તો સારુ વર્ષ જાય તેની વાત કરવામાં આવે તો કુવામાં પધરાવેલો રોટલો જો પૂર્વ અને ઇસાન દિશામાં પડે તો સારો વરસાદ થાય અને પશ્ચિમ દિશામાં રોટલો પડે તો ઓછા વરસાદ કે દુષ્કાળની સ્થિતિનું અનુમાન કરવામાં આવે છે. દર વર્ષે માન્યતા સાચી પડતી હોવાની ગામ લોકોને શ્રદ્ધા છે. આ વરસે રોટલાની દિશા સારા વરસાદનું સૂચન કરતી હોઇ અને સાથે પાછોતરો વરસાદ આવશે એમ આમરાના ગ્રામજનોએ જણાવ્યુ હતુ.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version