કેન્દ્ર સરકાર દ્વારા સેનામાં ભરતી માટેની ‘અગ્નિપથ’ યોજનાની ‘અગ્નિ’ જામનગર પહોંચી
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો વિરોધ: પોલીસ સાથે ઝપાઝપી
જીલ્લા પોલીસવડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે : સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો : તંત્રએ ખાતરી આપતા મામલો થાળે પડ્યો.
દેશ દેવી ન્યુઝ જામનગર ૧૮ જૂન ૨૨ : કેન્દ્ર સરકાર દ્વારા સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજના લાવવામાં આવી છે, જેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ અગ્નિપથના વિરોધની આગ પહોંચી ગઈ છે. શહેરમાં આજે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આ યોજનાના વિરોધમાં એકઠા થયા હતા. આજે વહેલી સવારે એસપી કચેરી નજીક વિદ્યાર્થીઓ રજૂઆત કરવા માટે એકઠા થયા હતા, જેને લઈ બંદોબસ્ત માટે સમગ્ર પોલીસકાફલો સ્થળ પર પહોંચી ગયો હતો, જેથી સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે.
અગ્નિપથનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને તંત્ર દ્વારા ઉચ્ચ અધિકારીને આ બાબતે તમારી રજૂઆત પહોંચાડશું તેવી ખાતરી આપવામાં આવતા હાલ મામલો થાળે પડ્યો છે. વિદ્યાર્થીઓ પોતાની રજૂઆત કરી રવાના થયા હતા. વિદ્યાર્થીઓને અધિકારી દ્વારા ખાત્રી આપતા જણાવાયું હતું કે, અમે ઉચ્ચ અધિકારી સુધી તમારી માંગણી પહોંચાડીશું. જેને લઈ મામલો હાલ થાળે પડ્યો હતો.