જામનગર ના એક પોલીસ હેડ કોન્સ્ટેબલ રૂપિયા ૧૫,૦૦૦ ની લાંચ લેતાં એસીબી ની ટીમના હાથે રંગે હાથ ઝડપાયા
- દારૂના જુના કેસમાં પતાવટ કરવા માટે રૂપિયા ૧૫,૦૦૦ ની લાંચની રકમ સ્વીકારતાં પોલીસ જમાદાર એસીબી ની ઝપટે ચડ્યા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ એપ્રિલ ૨૪ જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર માં ફરજ બજાવતા બિન હથિયારધારી પોલીસ હેડ કોન્સ્ટેબલ કે જેણે દારૂના એક જુના કેસમાં પતાવટ કરવા માટે સૌપ્રથમ ઘઉં અને જીરાની માંગણી કરી હતી, જેના બદલે રકમ લઈ લેવાનું કહેતાં રૂપિયા ૧૫,૦૦૦ ની લાંચ ની માંગણી કરાઈ હતી, ફરિયાદી યુવાનને તે રકમ આપવી ન હોવાથી લાંચ રુસ્વત શાખા નો સંપર્ક સાધ્યો હતો.જે અનુસાર શનિવારે બપોરે લાંચ નું છટકું ગોઠવાયું હતું, અને રામેશ્વર નગર ચોકમાંથી પોલીસ જમાદાર એસીબી ની ટીમ ના હાથે રૂપિયા પંદર હજાર ની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયા છે. તેથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
લાંચના છટકા અંગેની વિગત એવી છે કે જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર માં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ બાદલ નિલેશભાઈ ચોટલીયા કે જે બિન હથિયારધારી વર્ગ -૩ પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, અને તેણે જામનગરના એક આસામીને દારૂની એક બોટલ સાથે પકડ્યા પછી, તેની પૂછ પરછ દરમિયાન તેના એક સંબંધી નો આ પ્રકરણમાં કેસ નહીં કરવા સંબંધે લાંચની માંગણી કરી હતી.
જેમાં સૌપ્રથમ પોલીસ જમાદાર દ્વારા ઘઉં અને જીરું ખરીદ કરીને આપવાની માંગણી કરાઈ હતી, પરંતુ ફરિયાદીએ રકમ અથવા કોઈ વસ્તુ આપવી ન હોવાથી તેણે જામનગરની એ.સી.બી.શાખા નો સંપર્ક સાધ્યો હતો. જેના અનુસંધાને આજે બપોરે જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં આવેલી મોમાઈ હોટલ પાસે લાંચ નું છટકું ગોઠવવામાં આવ્યું હતું.જયાં ફરિયાદી યુવાન ૧૫,૦૦૦ ની રોકડ રકમ લઈને આવતાં પોલીસ જમાદાર બાદલ ચોટલીયા લાંચની રકમ સ્વીકારતાં ઝડપાઇ ગયા હતા. જેથી તેની અટકાયત કરી લઈ પાવડરવાળી ચલણી નોટો કબજે કરી લેવામાં આવી છે, જ્યારે તેની લાંચ રૂશવત ધારા હેઠળ અટકાયત કરી લઇ વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.