જામનગરની આરામ હોટલમાં અકસ્માતે ગળું કપાઇ જતાં યુવકનું મોત
દેવ ન્યુઝ નેટવર્ક જામનગર: ૧૦. જામનગરની આરામ હોટલમાં કડિયાકામ કરતા યુવાનનું મોત નિપજતા ભારે ચકચાર સાથે અરેરાટી પ્રસરી છે.
બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. મૃતક યુવાનની બહેનના એક મહિના પછી લગ્ન હોવાનું જાણવા મળ્યું છે.
જામનગરમાં કડીયાવાડ વિસ્તારમાં રહેતો અને કડિયાકામ કરતો સંજય રાજુભાઇ ખેતાણી નામનો(ઉ.વ.33) યુવાન શનિવારે શહેરની આરામ હોટલમાં જીમરૂમમાં કડિયાકામ કરતો હતો. કડિયાકામ દરમ્યાન સાંજે 7 વાગ્યા આસપાસ સંજય દિવાલમાં ગ્રાઇન્ડર મશીનથી ઝરી પાડી રહ્યો હતો.
આ સમયે અચાનક સંજયના હાથમાંથી ગ્રાઇન્ડર મશીન છટકયું હતું અને ગળાની ભાગે લાગતા ગળાની નસ કપાઇ ગઇ હતી. આથી લોહીના ફુવારા ઉડયા હતાં. લોહીલુહાણ હાલતમાં તે બહાર દોડયો હતો અને ઢળી પડયો હતો. આથી ઘાયલ યુવાનને હોટલના સ્ટાફે તાકીદે જી.જી.હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ માર્ગમાં જ તેનું મૃત્યુ નિપજયું હતું. બનાવની જાણ થતાં સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગે તપાસ હાથ ધરી છે.
મૃતક યુવાનના પિતા પણ આરામ હોટલમાં કડિયાકામ કરતા હતાં. મૃતક યુવાનની બહેનના એક મહિના પછી લગ્ન હોય આ બનાવથી ભારે અરેરાટી પ્રસરી છે.