Home Gujarat Jamnagar જામનગરની જાણીતી સંસ્થા દ્વારા કિલેશ્વર ખાતે ટ્રેકિંગ અને લાઈવ લેન્ડસ્કેપ્સ કેમ્પ યોજાયો

જામનગરની જાણીતી સંસ્થા દ્વારા કિલેશ્વર ખાતે ટ્રેકિંગ અને લાઈવ લેન્ડસ્કેપ્સ કેમ્પ યોજાયો

0

જામનગરની સંસ્થા નવાનગર નેચર એન્ડ આર્ટ ક્લબ દ્વારા કિલેશ્વર ખાતે ટ્રેકિંગ અને લાઈવ લેન્ડસ્કેપ્સ કેમ્પ યોજાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧ જાન્યુઆરી ૨૪, જામનગરની સંસ્થા નવાનગર નેચર એન્ડ આર્ટ ક્લબ દ્વારા કિલેશ્વર ખાતે ટ્રેકિંગ અને લાઈવ લેન્ડસ્કેપ્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ફકત કુદરત સાથેના સંબંધને મજબૂત બનાવવા પૂરતો જ સીમિત નહોતો, પરંતુ ચિત્રકલાના ઉપાસકો માટે પોતાની કળા પ્રદર્શિત કરવાનો એક વિશિષ્ટ મંચ પ્રદાન કરવાનો પણ હતો.આ કેમ્પમાં જામનગરના ચિત્રકારોએ ભાગ લીધો હતો. કિલેશ્વર મંદિર, કીલગંગા નદીનાં વહેતાં ઝરણાં, આસપાસનું ગાઢ જંગલ અને તેની વચ્ચે વસેલા ગ્રામીણ વાતાવરણથી પ્રેરાયેલી લાઈવ ચિત્રોની રચનાઓ ખરેખર વખાણવા લાયક હતી. કળાને વરેલો આ કાર્યક્રમ દરેક માટે કુદરતને એના ખરા સ્વરૂપમાં અનુભવવાનો અવસર બની રહ્યો.સંસ્થાના સભ્યોએ તેમના પરિવાર સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેનાથી કેમ્પ વધુ યાદગાર બન્યો.ચિત્રકાર સિવાયના અન્ય સભ્યોએ સંસ્થાનાં શુભેચ્છક એવા પ્રખર પર્યાવરણવિદોનાં નેતૃત્વમાં આસપાસના જંગલ વિસ્તારમાં ટ્રેકિંગ કરીને કિલેશ્વરના સુંદર દ્રશ્યો અને જંગલની શાંતિનો આનંદ માણ્યો. સાથે જ ગ્રામ્ય જીવનશૈલીને નજીકથી જોવા અને અનુભવવાની તક પણ મેળવી.બપોરના ભોજન પછી બાળકો માટે દેશી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોમાં બાળકોના ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો, જે તેમના માટે સંભારણાંરૂપ બની રહ્યો.  શ્રેષ્ઠ લેન્ડસ્કેપ ચિત્રો બનાવવા બદલ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન હાંસલ કરનારા ચિત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા.સંસ્થાનાં પ્રમુખ વિજયસિંહ જાડેજાનાં અનુરોધથી વિજેતાઓને ઇનામોનું વિતરણ સભ્યોનાં પરિવારની મહિલા સદસ્યોનાં હસ્તે કરાવાયું અને એ દ્વારા નારીસન્માનનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું હતું. નવાનગર નેચર એન્ડ આર્ટ ક્લબ તરફથી આ કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન ઉત્પલ દવે દ્વારા આ કેમ્પની સફળતા માટે તમામ ચિત્રકારો, સભ્યો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version