Home Devbhumi Dwarka દેવભૂમિ દ્વારકામાં તાત્કાલિક લોન આપવાની લાલચે છેતરપીંડી આચરતો ‘ઠગ’ ઝડપાયો

દેવભૂમિ દ્વારકામાં તાત્કાલિક લોન આપવાની લાલચે છેતરપીંડી આચરતો ‘ઠગ’ ઝડપાયો

0

તાત્કાલિક લોન આપવાની લાલચે છેતરપીંડી આચરતો ‘ઠગ’ ઝડપાયો

  • દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ સેલની ટીમની સફળતા: ‘ઠગ’ વિરૂઘ્ધ રાજયના અનેક શહેરોમાં ગુનાઓ નોંધાયેલ છે

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૩ જુલાઇ ૨૩ દ્વારકા: દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા 20 વર્ષના એક યુવાનના ભાઇની દિકરી જેની ઉમર 5 વર્ષની હોય , તેણી યુ-ટયુબમાં વિડીયો જોતી વખતે આવેલી એડમાં ભુલમાં ટચ થઇ જતા, ક્રેડીટનાઉ નામની ઇન્સ્ટન્ટ લોનની એપ મોબાઇલમાં ડાઉનલોડ થઇ ગયેલ હતી. બાદમાં તા. 9 માર્ચના રોજ ફરીયાદીને તેમના મોબાઇલ ડીવાઇઝમાં ક્રેડીટનાઉ નામની એપ્લીકેશન જોવામાં આવતા, ફરીયાદી દ્વારા આ એપ ખોલતા, તેને જાણવા મળેલ કે આ એપ્લીકેશનના માધ્યમથી લોન મળી શકે છે. બાદમાં આ એપમાં ફરીયાદી આગળ વધતા ફરીયાદીના મોબાઇલના ફોટા, કોન્ટેકટ, મેસેઝ વિગેરે જેવી અંગત માહિતીના એકસેસ એપ દ્વારા લઇ લેવામાં આવેલ. ફરીયાદી દ્વારા આ એપમાં આગળ વધતા લોન મેળવવા સારૂ આધારકાર્ડ, પાન કાર્ડ અને ફરીયાદીનો સેલ્ફી ફોટો અપલોડ કરેલ હતો. તેમજ ફરીયાદી દ્વારા તેમની બેંકને લગતી વિગતો આ એપમાં દાખલ કરેલ, બાદમાં એપના માધ્યમથી જાણવા મળેલ કે ફરીયાદીની રૂા. 3,000/-ની લોન મંજુર થયેલ છે. તુરંત બાદ ફરીયાદીએ તેમની બેંકમાં ચેક કરતા તેમાં રૂા. 1800ની લોન જમા થયેલ હતી. તેમજ રૂા. 1200 પ્રોસેસીંગ ફી કપાયા હોવાનુ જાણવા મળેલ હતું. પાંચ દિવસ બાદ આ આરોપીઓ દ્વારા વિદેશના મોબાઇલ નંબરોની વોટસએપ મારફતે રૂા. 3,000/- લોનની રકમ ભરપાઇ કરી, લોન કલોઝ કરવા અવાર- નવાર વોટ્સએપમાં મેસેઝ કરવામાં આવતા. બાદમાં ફરીયાદી દ્વારા તે રકમની ઓનલાઇન ચુકવણી કરી દઇ લોન ક્લોઝ કરવામાં આવેલ. લોન કલોઝ થતા ફરીવાર આપો-આપ ફરીયાદીના ખાતામાં લોન જમા કરી દેવામાં આવેલ. જે રકમ પણ ફરીયાદી દ્વારા ઓનલાઇન પેમેન્ટ કરી ભરપાય કરી દેવામાં આવેલ હતી. બાદમાં ફરીયાદીએ આરોપીને જણાવેલ કે, હવે કોઇ લોનની જરૂરીયાત નથી તેમજ હવે કોઇ લોન મારા ખાતામાં જમા ન કરવી. તેમ કહેતા આ કામના આરોપીઓ દ્વારા ફરીયાદીના ફોટાને એડીટ કરી, બિભત્સ બનાવી. વિદેશી મોબાઇલ નંબરથી વોટ્સએપ મારફતે ફરીયાદીને મોકલેલ અને ધમકી આપેલ કે લોન નહી ભરી તો ફરીયાદીના બિભત્સ ફોટાઓ સોશ્યલ મીડીયામા અપલોડ કરશે. બાદમાં આરોપીઓએ ફરીયાદીના મીત્રો તથા સગા સબંધીઓના મોબાઇલમાં ફરીયાદીના ન્યુડબિભત્સ ફોટા મોકલેલ તેમજ તેમા ફરીયાદીના નામનો ઉલ્લેખ કરી લખાણ કરેલ કે, ફરીયાદીએ અમારી પાસેથી લોન લીધેલ છે અને હવે ભરતો નથી.

બાદમાં ફરીયાદીના મિત્રો તથા સગા-સબંધીઓ આ બાબતે તેમને પુછતા ફરીયાદી ડરી જઇ, લોનની રકમ વારંવાર ભરપાઇ કરવા લાગેલ, જો ફરીયાદી લોનની રકમ ભરપાઇ કરવાની ના પડે તો આરોપીઓ દ્વારા ફરીયાદીના ન્યુડ ફોટા ફરીયાદીના તમામ કોન્ટેક્ટ લીસ્ટવાળાને તેમજ ફેસબુલ, ઇન્સ્ટાગ્રામ વિગેરે જેવા સોશયલ મીડીયામા વાયરલ કરવાની ધમકી આપતા. એ રીતે આરોપીઓ દ્વારા કુલ રૂા. 61,000 પડાવી લીધેલ. જેથી ફરીયાદીને છેતરપીંડી થયેલાનું માલુમ પડતા, આ બાબતે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પરથી ગુનો દાખલ કરી સાયબર ક્રાઇમ સેલને તપાસ સોંપવામાં આવી હતી.

આ પ્રકરણમાં જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરવા માટે ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલના પોલીસ ઇન્સ્પેકટર એ.વાય. બ્લોચને સુચના માર્ગદર્શન આપેલ હતા. જે સંદર્ભે મેન્યુઅલ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે આ ગુનામાં બિહાર રાજ્યના જમુઈ જિલ્લાના રોશનકુમાર વિજયપ્રસાદ સીંઘ નામનો શખ્સ સંડોવાયેલો હોવાના પુરાવાના આધારે આરોપીને સુરત ખાતેથી ટ્રાન્સફર વોરંટના આધારે અત્રે લાવીને ધરપકડ કરવામાં આવેલ છે.માત્ર 12 ચોપડી ભણેલા આરોપી રોશનકુમાર વિજયપ્રસાદ સીંઘ ટ્રાન્સફર તથા ઓનલાઇન સરકારી યોજનાઓના ફોર્મ ભરવાનું કામ કરતો હતો.

આરોપીઓએ આયોજનબદ્ધ રીતે છેતરપીંડી કરવા માટે કાવતરું રચી તે અનુસંધાને આરોપીઓ યુ- ટ્યુબ તથા ગુગલ પ્લે સ્ટોરમાં તેમની ઇન્સ્ટન્ટ લોનની એપ્લિકેશન અપલોડ કરતા હતા. યુ-ટ્યુબમાં એડવર્ટાઇઝ ફિલ્ડમાં આ એપની એડ મુકી, નાગરીકોને ઇન્સ્ટન્ટ લોન મેળવવા માટેની લોભામણી જાહેરાતો કરી, મોબાઇલ ફોનમાં એપ ઇન્સ્ટોલ કરાવતા હતા. જે એપ ઇન્સ્ટોલ કરતા તેમાં કોન્ટેકટ, કેમેરા, ફોટાઓ, વિડીયો વિગેરે જેવા મોબાઇલ ફોનના અગત્યના ડેટાના એકસેસ લેવાની મંજુરી માંગે છે. જેથી તે એપ મોબાઇલ ફોનનો ડેટા સ્ટોર કરી લે છે. બાદમાં નાગરીકોના પાન કાર્ડ અને આધારકાર્ડ તથા બેંકને લગતી માહિતી અપલોડ કરવા જણાવે છે. જે માહિતી અપલોડ કરતાની સાથે જ પ્રોસેસીંગ ફી કપાઇ બાકીની રકમ લોન સ્વરૂપે નાગરીકોના ખાતામાં જમા થઇ જાય છે. બાદમાં પાંચ-છ દિવસ પછી આરોપીઓ વિદેશી મોબાઇલ નંબર પરથી વોટસએપ કોલ-મેસેજ કરવાના ચાલુ કરી, તે વોટસએપ દ્વારા નાગરીકોને ઉંચા વ્યાજદર સાથે લોનની ભરપાઇ કરવા માટે ધમકી આપે છે.
નાગરીકો દ્વારા આવી લોનની ભરપાઇ કરવામાં આવે તો પણ નાગરીકોને સહમતી વગર બીજો લોન જમા કરી દેવામાં આવે છે. એ રીતે અવાર-નવાર લોન જમા કરી, વધુ નાણાની માંગણી કરવામાં આવે છે. તેમજ આરોપીઓ ધાક-ધમકી આપે છે કે, જો નાગરીકો દ્વારા નાણા ચુકવવામાં નહિ આવે તો, તેમના મોબાઇલ ફોનમાં સેવ (સ્ટોર) કરેલ તમામ મોબાઇલ નંબરમાં ભોગ બનનારનો ફોટો મોર્ફ કરી, બિભત્સ બનાવી મોકલવામાં આવશે. તેમજ આરોપીઓ ભોગ બનનારનો ફોટો મોર્ફ (એડીટ) કરી, ભોગ બનનારના મિત્રો તથા સગા-સબંધીને મોકલે છે અને ભોગ બનનારને ડરાવી-ધમકાવી નાણા પડાવે છે. એ રીતે નાગરીકો ડરી જઇ અવાર-નવાર ઉંચા વ્યાજદર તથા લોનની રકમની ચુકવણી કરતા હોય છે. એ રીતે આરોપીઓ એકસંપ થઇ આયોજનબદ્ધ રીતે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરતા હોવાના અન્ય આરોપીઓના નામ ખુલવા પામેલ છે જે અંગે તપાસ ચાલુ છે. આ રીતે ઘણા લોકો સાથે છેતરપીંડી કરેલ હોવાની કબુલાત કરેલ છે.

આ આરોપી સામે સુરત શહેર રાંદેર પોલીસ સ્ટેશનમાં, સુરત શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશનમાં, અમદાવાદના વટવા પોલીસ મથકમાં, પણ છેતરપિંડી સહિતના ગુનાઓ નોંધાયા છે.આ પ્રકરણની તપાસ હાલ સાયબર સેલના પોલીસ ઇન્સ્પેકટર એ.વાય. બ્લોચ દ્વારા હાથ ધરવામાં આવી છે. જેમાં અન્ય ગુનાઓનો ભેદ ઉકેલાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમગ્ર કાર્યવાહી સાયબર સેલ વિભાગના પી.આઈ. એ.વાય. બલોચ, હેડ કોન્સ્ટેબલ ધરણાંતભાઇ બંધિયા, મુકેશભાઈ કેશરીયા, હેમંતભાઇ કરમુર, પબુભાઇ ગઢવી, જનકભાઈ કરમુર, માનસીબેન કણઝારીયા, કાજલબેન કરમુર, હેભાભાઈ ચાવડા, વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version