Home Gujarat Jamnagar જામનગરમાં રૂ.29 કરોડના ખર્ચે બનશે નવી ડેન્ટલ હોસ્ટેલ

જામનગરમાં રૂ.29 કરોડના ખર્ચે બનશે નવી ડેન્ટલ હોસ્ટેલ

0

સાંસદ પૂનમબેન માડમના હસ્તે સરકારી ડેન્ટલ કોલેજની હોસ્ટેલનો શિલાન્યાસ વિધિ કાર્યક્રમ યોજાયો

  • જામનગરમાં રૂ.29 કરોડના ખર્ચે બનશે નવી ડેન્ટલ હોસ્ટેલ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૨ સપ્ટેમ્બર ૨૩ જામનગરમાં આવેલી સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ વર્ષ 1991થી કાર્યરત છે. વર્ષોવર્ષ સંસ્થામાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા વધતા હોસ્ટેલની ક્ષમતા વધારવાની જરૂરિયાત ઊભી થવાથી ડીન ડૉ. નયના પટેલની રજૂઆતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા રૂ.29 કરોડના ખર્ચે નવી ડેન્ટલ હોસ્ટેલ બનાવવાની પરવાનગી અપાઈ હતી. જેના અનુસંધાને, ગત તા.24 ઓગસ્ટના રોજ સાંસદ પૂનમબેન માડમના હસ્તે નવી ડેન્ટલ હોસ્ટેલની બિલ્ડીંગના શિલાન્યાસ વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સંસ્થામાં હાલમાં 125 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે. આ ઉપરાંત, દર વર્ષે અલગ- અલગ 6 વિભાગમાં નવા અનુસ્નાતક અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 19 જેટલા નવા અનુસ્નાતક વિદ્યાર્થીઓ સંસ્થામાં અભ્યાસ કરશે. જેથી, અનુસ્નાતક વિધાર્થીઓના અભ્યાસ તેમજ તેમના જ્ઞાનનો લાભ સૌરાષ્ટ્રના દૂરના વિસ્તારોમાંથી આવતા દર્દીઓને મળશે.

આ નવી ડેન્ટલ હોસ્ટેલની બિલ્ડીંગમાં કુલ 8 માળ બનશે. જેમાં કુલ 165 રૂમોની ક્ષમતા સાથે 330 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શકશે. આ ઉપરાંત, હોસ્ટેલમાં ડાયનિંગ મેસ, રીડિંગ રૂમ, રીફ્રેશમેન્ટ રૂમ, વોર્ડન રૂમ, 2 લિફ્ટ અને જનરેટર સહિત સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રહેવા-જમવા સહિતની તમામ અધ્યતન સુવિધાઓ આપવામાં આવશે.

ઉક્ત સમારોહમાં, ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા, અગ્રણી ડો. વિમલભાઈ કગથરા, એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ ડીન ડો. નંદિની દેસાઈ, સરકારી ડેન્ટલ કોલેજના ડીન ડૉ. નયના પટેલ, ડેન્ટલ કોલેજના નર્સિંગ સ્ટાફ, અન્ય સ્ટાફગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહયા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version