Home Uncategorized લાલપુર પંથકની એક શ્રમિક મહિલાએ ઝેરી દવા પી લેતાં સારવાર માટે હોસ્પિટલમાં...

લાલપુર પંથકની એક શ્રમિક મહિલાએ ઝેરી દવા પી લેતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પછી તપાસમાં થયો નવો ધડાકો.

0

લાલપુર પંથકની એક શ્રમિક મહિલાએ ઝેરી દવા પી લેતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પછી તેની તપાસમાં નવો ખુલાસો.

જી. જી. હોસ્પિટલ ની પોલીસ ચોકી ના પોલીસ સ્ટાફની સતર્કતાથી બોટાદ ના એકી સાથે ગુમ થયેલા પરિવારની ભાળ મળી ગઈ

પતિના ત્રાસના કારણે દવા પી લીધાનું યુવતીનું કારણ શંકાસ્પદ લાગતાં ઉંડાણપૂર્વકની પૂછપરછ માં પૈસાની લેતીદેતી નો મામલો સામે આવ્યો

યુવતીના પિતાએ ચાર લાખ રૂપિયાની ઉઘરાણી ચૂકવવી ન પડે તે માટે સામૂહિક રીતે ઘર છોડ્યું હોવાનો થયો ખુલાસો

જામનગર તા ૨૮, જામનગર ની જી.જી.હોસ્પિટલમાં ગઈકાલે લાલપુર થી એક યુવતી ઝેરી દવા પી ને સારવાર હેઠળ આવી હતી, જેની જીજી હોસ્પિટલ ના પોલીસ સ્ટાફ દ્વારા ઊંડાણપૂર્વકની પૂછપરછના અંતે બોટાદ પોલીસ સ્ટેશનનો એકીસાથે છ વ્યક્તિઓ લાપતા બની ગયા ના મામલા નો મોટો ખુલાસો થયો હતો. યુવતીએ સાસરિયાઓના ત્રાસના કારણે ઝેરી દવા પીવા નું પ્રાથમિક કારણ દર્શાવ્યું હતું, પરંતુ પોલીસની તપાસમાં યુવતીના પિતા પાસે અન્ય લોકો ચાર લાખ રૂપિયા માંગતા હોવાથી તે ચૂકવવા ન પડે તે માટે પરિવારના છ સભ્યો એ ગામ છોડ્યું હોવાનો ખુલાસો થયો છે, અને લાલપુર પોલીસ તેમજ બોટાદ પોલીસે જામનગર આવી તમામના નિવેદનો નોંધ્યા છે.

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ માં ગઈકાલે લાલપુર પંથકમાં રહીને મજૂરી કામ કરતી ભૂમિબેન હાર્દિકભાઈ જીગેરિયા નામની એક ૨૧ વર્ષની પરિણીત યુવતી ઝેરી દવાની અસર હેઠળ સારવાર માટે આવી હતી.

જેથી જી. જી હોસ્પિટલ ની પોલીસ ચોકીના એ.એસ.આઇ. મગનભાઈ ચનીયારા એ તેણીનું નિવેદન નોંધ્યું હતું, જેમાં અલગ-અલગ ખુલાસાઓ થઈ રહ્યા હતા. ભૂમિ બેન ને સારવારમાં લાવનાર તેના પિતા મુન્નાભાઈ સૌપ્રથમ ભૂલથી ઝેરી દવા પી લીધી હોવાનું કારણ બતાવ્યું હતું, ત્યાર પછી ઉલટ તપાસમાં ભૂમિબેને પોતાના પતિ હાર્દિક કે જે બોટાદ પંથકમાં રહે છે, તેના ત્રાસના કારણે જામનગર તરફ આવી ગયા પછી ઝેરી પ્રવાહી લીધાનું જણાવ્યું હતું.

જે મામલે પોલીસને શંકા જતાં સમગ્ર પરિવાર હાલ લાલપુર પંથકમાં રહેતો હોવાથી લાલપુર પોલીસને જાણ કરવામાં આવી હતી.

સમગ્ર મામલે જી.જી.હોસ્પિટલ ના એ. એસ આઈ. મગનભાઈ ચનિયારા એ ભૂમિબેન ના પતિ હાર્દિક કે જે બોટાદ પંથકમાં રહે છે તેનો મોબાઈલ નંબર મેળવી તેનો સંપર્ક કર્યો હતો, અને પોતાની પત્નીને ત્રાસ આપે છે કે કેમ, તે અંગેની પૂછપરછ કરતાં તેણે ઊંધો ખુલાસો કર્યો હતો, કે પોતાની પત્ની તેમ જ તેના સહિતના પરિવારના છ સભ્યો અઢી વર્ષના નાના બાળક સાથે બોટાદ થી ગુમ થઈ ગયા છે, અને પોતે બોટાદ પોલીસ સ્ટેશનમાં એકીસાથે પરિવારના છ વ્યક્તિઓ ગુમ થઈ ગયા હોવાની અરજી પણ આપેલી હોવાનું જણાવ્યું હતું.
જેથી હોસ્પિટલના સ્ટાફ દ્વારા બોટાદ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જ્યાં સંપર્ક કરતા બોટાદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ત્યાંના જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ એકસાથે ગુમ થયેલી છ વ્યક્તિઓને શોધવા માટે મથામણ કરી રહ્યા હતા, અને જામનગર પોલીસની સતર્કતાને કારણે સમગ્ર મામલા નો ખુલાસો થયો હતો.
જેથી આજે પરોઢીયે બોટાદ પોલીસ સ્ટેશન ની ટુકડી પણ જામનગર આવી પહોંચી હતી, અને ઝેરી દવા પી લેનાર ભૂમિબેન અને તેના પિતા મુન્નાભાઈ વગેરેના નિવેદન નોંધ્યા હતા.

સમગ્ર પ્રકરણમાં ભૂમિ બેન ને તેના સાસરિયાનો ત્રાસ હોવાનું નહીં પરંતુ મુન્નાભાઈ પરસોત્તમભાઈ કે જેઓએ બોટાદ પંથકમાંથી અન્ય લોકો પાસેથી ચાર લાખથી વધુની રકમ મેળવી હતી જે રકમ પરત ન કરવી પડે તેના માટે પરિવારના છ સભ્યો સાથે ત્યાંથી રફુચક્કર થઇ લાલપુર પંથકમાં મોટા ખડબા ગામ માં રહેતા હસમુખભારથી હેમતભારથી ની વાડી માં રહીને ખેત મજૂરી કામે જોડાઈ ગયાનું જાણવા મળ્યું હતું.

આ સમગ્ર મામલે બોટાદ પોલીસે હાર્દિક નું નિવેદન નોંધ્યું છે, સાથોસાથ ભૂમિબેન અને તેના પિતા મુન્નાભાઈ, માતા રેખાબેન, તેમજ ભૂમિ બેન ના બે ભાઈઓ મહેશ અને વિજય વગેરેના પણ નિવેદનો નોંધ્યા છે. હાલમાં ઝેરી દવા બાબતમાં ભૂમિ બેન કોઈ સાચો ખુલાસો કરતા ન હોવાથી અને તેઓ આગળ કંઈક કરવું ન હોવાથી પોલીસે માત્ર જાણવાજોગ એન્ટ્રી કરી છે, અને લાલપુર ટુકડી પરત ફરી છે. જીજી હોસ્પિટલ ના એ.એસ. આઈ. મગનભાઈ ચનીયારાની સતર્કતાના કારણે ઝેરી દવા ના પ્રકરણમાં બોટાદની એકી સાથે ગૂમ થયેલી એકજ પરિવારની ૬ વ્યક્તિઓના મામલાનો ઘટસ્ફોટ થયો હતો, અને પરિણીતાને ત્રાસ નહીં પરંતુ ચાર લાખ રૂપિયા ચૂકવવા ન પડે તે માટે ઘર છોડી દીધું હોવાનું તારણ સામે આવ્યું હતું. જેથી બોટાદ પોલીસે પણ હાશકારો અનુભવ્યો છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version