જામજોધપુરમાં ધાર્મિક કાર્યક્રમમાં ચોરીનો તરખાટ મચાવનારી ટોળકી પોલીસ પાંજરે પુરાઇ
- પાંચ મહિલાના ઘરેણાંની ચીલ ઝડપ કરનાર ગેંગના 10 મહિલા સહિત 15 ઝડપાયા : 17.55 લાખની માલમત્તા જપ્ત
- LCBના હરદીપભાઈ ધાધલ, યશપાલસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા તથા હિરોજ ખફી તથા જામજોધપુર ટીમને મળી સફળતા
જામનગર જિલ્લાના જામજોધપુરમાં એક ભાગવત સપ્તાહ ચાલી રહી છે, જેમાં ગઈકાલે નંદ મહોત્સવ ઉજવાયો હતો, અને ખાસ કરીને બહેનો ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉંમટી પડી હોવાથી ગીરદીનો લાભ લઈ અલગ અલગ પાંચ મહિલાના ગળામાંથી સોનાના ચેન ની ચીલ ઝડપ થઈ હોવાનું સામે આવ્યું હતું.
દરમિયાન એલસીબી ની ટીમને જાણવા મળ્યું હતું કે ઉપરોક્ત આરોપીઓ કાર રાજકોટ તરફ રવાના થયા છે, જેથી એલસીબી ની એક ટુકડી રાજકોટ રવાના થઈ હતી અને આરોપીઓનું લોકેશન મેળવવાનો પ્રયત્ન કરતાં તેઓ ચોટીલા સુધી પહોંચ્યાનું જાણવા મળ્યું હતું. જેથી સ્થાનિક પોલીસની પણ મદદ લેવાઈ હતી, અને ચોટીલા પાસેથી 10 મહિલા સહિતના 15 શખ્સોને દબોચી લેવાયા હતા.
તેઓ પાસેથી બે નંગ કાર, સોના ચાંદીના દાગીના રોકડ રકમ વગેરે રૂપિયા 17.55 લાખ ની માલમતા કબજે કરી લેવામાં આવી હતી, અને તમામને જામનગર એલસીબીની કચેરીએ લાવવામાં આવ્યા હતા.
પોલીસે પકડેલા મૂળ રાજસ્થાનના 15 શખ્સો સુનિલ સુરજપાલ બાવરીયા, શનિભાઈ બચુભાઈ બાવરીયા, સોનુભાઈ નરેશભાઈ બાવરીયા, જીતેન્દ્રભાઈ બહાદુરભાઈ બાવરીયા, સોનિયાબેન સનીભાઈ બાવરીયા, મોનીબેન દીપકભાઈ બાવરીયા, સુરેશનીબેન સુનિલભાઈ બાવરીયા, મોનાબેન જસમતભાઈ બાવરીયા, સરફીબેન નરેશભાઈ બાવરીયા, પુરીબેન પપ્પુભાઈ બાવરીયા ગુડિયાબેન રાકેશભાઈ બાવરીયા, સમોતાબેન મહાવીરભાઈ બાવરીયા, વિમલેશબેન અનિલભાઈ બાવરીયા, આશાબેન રાજેશભાઈ બાવરીયા, અને કોમલબેન બચુભાઈ બાવરીયા સહીત 15 આરોપીઓની અટકાયત કરી લીધી છે, અને તેઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા સમગ્ર મામલામાં છ નંગ સોનાના ચેન, સોનાનું મંગળસૂત્ર, બુટીયા, ચાંદીના સાંકળા, 18,000 રૂપિયાની રોકડ રકમ, 11 નંગ મોબાઈલ ફોન, અને બે ફોર વીલર વગેરે કબજે કરી લેવાયા છે.