Home Devbhumi Dwarka ખંભાળિયા પંથકમાં ‘’ક્રાઇમ પેટ્રોલ” જેવો કિસ્સો: હત્યાને અકસ્માતમાં ખપાવાનો પ્રયાસ

ખંભાળિયા પંથકમાં ‘’ક્રાઇમ પેટ્રોલ” જેવો કિસ્સો: હત્યાને અકસ્માતમાં ખપાવાનો પ્રયાસ

0

ખંભાળિયાના સોનારડી ગામે ‘ક્રાઇમ પેટ્રોલ’નો જેવો ક્રિસ્સો

  • પરપ્રાંતિય શ્રમિકની હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ, પોલીસ તપાસ શરૂ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૦ ડીસેમ્બર ૨૨ ખંભાળિયા: મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે રહેતા વિક્રમ ઉર્ફે પૃથ્વીસિંહ ઉર્ફે ભૂટિયો હીરાભાઈ રાઠોડ નામનો 30 વર્ષનો યુવાન કે જે ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે રહેતા એક કોન્ટ્રાક્ટરની ઈલેક્ટ્રીક વિજ લાઈનના કામમાં મજૂરી કરતો હતો, અપરણિત એવો આ યુવાન ગત તારીખ 22 મીના રોજ કામ દરમિયાન સીડી પરથી નીચે પડતા ઇજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ થવા અંગેની જાણ મૃતક વિક્રમ ઉર્ફે પૃથ્વીસિંગ રાઠોડના પરિવારજનોને કરવામાં આવી હતી.

ઇજાગ્રસ્ત વિક્રમ ઉર્ફે પૃથ્વીસિંગને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઈ જવાયો હતો. ત્યાં મૃતકના પિતા હીરાભાઈ તથા તેમના મોટાભાઈ રમણભાઈ તેમને મળવા ગયા હતા. જ્યાં મૂર્છિત અવસ્થામાં વિક્રમેતા. 22 ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. ત્યાર બાદ ગત તા. 25 ડિસેમ્બરના રોજ મૃતકની અંતિમ વિધિ કરવામાં આવી હતી. પરંતુ તેમના પરિવારજનોને મૃત્યુ અંગે શંકા જતા વિક્રમ ઉર્ફે ભૂટીયા સાથે કામ કરતા અન્ય સાહેદોને પૂછતા તેઓએ આ સમગ્ર ઘટનાનો ઉપરથી પડદો ઉચકાવી દીધો હતો.

તેઓના જણાવ્યા મુજબ ગત તારીખ 20 મીના રોજ રાત્રિના દસેક વાગ્યે વિક્રમ તથા તેમને સાથે કામ કરતા અન્ય શ્રમિકો તેમના રૂમ પર હતા, ત્યારે તેઓની સાથે કામ કરતા રમેશ ગોરાભાઈ ઠાકોર (રહે. લીમરવાડા, તા. વીરપુર, જી. મહીસાગર) સાથે જમવા બાબતે બોલાચાલી થઈ હતી અને ઉશ્કેરાયેલા રમેશ ઠાકોરે નજીક પડેલો લાકડાનો ધોકો વિક્રમને ફટકાવી દીધો હતો. જેથી લોહી-લોહાણ હાલતમાં તે ઘટના સ્થળે ફસડાઈ પડ્યો હતો. બાદમાં આ શ્રમિકોના શેઠને જાણ કરવામાં આવતા તેઓ આવી ગયા હતા અને ઇજાગ્રસ્ત વિક્રમને સારવાર અર્થે તેમની બોલેરોમાં ખંભાળિયા અને ત્યારબાદ જામનગરથી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં વિક્રમનું મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટનાના સાક્ષી રહેલા સાથેના શ્રમિકોને આ બાબતની જાણ કોઈને નહીં કરવા, નહીં તો તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી રમેશે આપી હતી. ઉપરોક્ત સમગ્ર બનાવ અંગે મૃતક વિક્રમ ઉર્ફે પૃથ્વીસિંહ ઉર્ફે ભૂટીયોના પિતા હીરાભાઈ ફતાભાઈ રાઠોડ (ઉ.વ. 55, રહે. લીમરવાડા, મહીસાગર) એ રમેશ ગોરાભાઈ ઠાકોર સામે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. સંદર્ભે પોલીસે મનુષ્યવધની કલમ 302 સાથે 506 (2), 203 તથા જી.પી.એક્ટની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version