જામનગરના બેડી વિસ્તારમાં સરકારી જમીન ઉપર દબાણ કરીને સાયચા બંધુઓ દ્વારા ખડકી દેવાયેલા બંગલા સહિતના બાંધકામો પર બુલડોઝર ફેરવાયું
- જિલ્લા પોલીસવડા ની હાજરીમાં વિશાળ પોલીસ કાફલાએ ઉપસ્થિત રહી સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડી: જામ્યુંકોની દબાણ શાખા દ્વારા કાર્યવાહી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૮ માર્ચ ૨૪ જામનગર શહેરના બીડી વિસ્તારમાં આજે શિવરાત્રીના દિવસે પણ પોલીસ તંત્રએ બેડી વિસ્તારમાં મેગા ડીમોલેશન ઓપરેશન પાર પાડ્યું હતું, અને જીલ્લા પોલીસવડા સહિતના વિશાળ પોલીસ સ્ટાફે સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડી હતી, અને સાયચા બંધુઓ દ્વારા ખડકી દેવામાં આવેલા ગેરકાયદે બંગલાઓને તોડી પાડવા માટેની ઝુંબેશ પુન: શરૂ કરાઈ હતી, અને બે બંગલાંઓમાં ડિમોલેસન હાથ ધર્યું છે. જેથી બેડી વિસ્તારમાં ભારે હલચલ મચી ગઈ હતી.
હાલ જુદા જુદા બે બંગલાઓ અંગે લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદ દાખલ કરાઈ છે, જેના અનુસંધાને અલગ અલગ બે બંગલાઓ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકારી જગ્યામાં હજુ પણ કેટલુંક દબાણ થયેલું હોવાનું જાણવા મળી રહયું છે, અને શહેર વિભાગના મામલતદાર ની ટિમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં સરકારી જમીન ઉપર હજુ જે કોઈ દબાણ જોવા મળશે, તે અંગે પોલીસ ફરિયાદ નોંધવા અને જગ્યા ખુલ્લી કરાવવા માટે ડીમોલિશન સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.