જામનગરમાં કાલાવડ નાકા બહાર એક જુનવાણી મકાનની છત ધરાસાઈ થઈ જતાં ૭૦ વર્ષના બુજુર્ગનો કાટમાળ હેઠળ દબાઈ જતા ભોગ લેવાયો
મકાનમાં બાજુના રૂમમાં રહેલા મૃતકના બે પુત્રો- પુત્રવધુ અને ત્રણ વર્ષના બાળક સહિત ચાર વ્યક્તિનો ચમત્કારિક બચાવ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫, જાન્યુઆરી ૨૫ જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગૂન વાલા હોસ્પિટલ પાસે આજે વહેલી સવારે એક દુર્ઘટના સર્જાઈ હતી. જુનવાણી મકાનની છતનો હિસ્સો એકાએક ધારાશાઇ થઈ જતાં મકાનમાં નિદ્રાધીન અવસ્થામાં રહેલા ૭૦ વર્ષના બુઝુર્ગ પર કાટમાળ પડ્યો હતો, અને તેઓનું દબાઈ જતા મૃત્યુ નીપજ્યું છે. જેથી ભારે દોડધામ થઈ હતી. જોકે બાજુના રૂમમાં હાજર રહેલા મૃતકના બે પુત્રો, પુત્રવધુ અને ત્રણ વર્ષના બાળક સહિતના ચાર વ્યક્તિઓનો ચમત્કારિક બચાવ થયો છે. આસપાસના લોકોએ એકત્ર થઈને કાટમાળ નીચે દબાયેલા વૃદ્ધને બહાર કાઢ્યા હતા.આ દુર્ઘટના અંગેની વિગતો એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગૂન વાલા હોસ્પિટલ પાસે આવેલા એક જુનવાણી મકાનની છતનો હિસ્સો આજે સવારે સવા આઠેક વાગ્યા ના સમયે એકાએક ધરાશાઇ થઈ ગયો હતો. બે માળનું મકાન કે જેમાં ઉપર અન્ય ભાડુઆત રહેતા હતા, જ્યારે નીચે મકાન માલિક અને જામનગરમાં બિલ્ડીંગ મકાનનો લે વેચ નું કામ સંભાળતા બિલ્ડર હુસેનભાઈ હાસમ ભાઈ ખફી ઉ.વ. ૭૦) રહેતા હતા.તેઓ આજે સવારે સવાઆઠ વાગ્યાના અરસામાં પોતાના રૂમમાં પલંગ પર સૂતા હતા, જે દરમિયાન એકાએક છતનો કાટમાળ તેઓના માથે પડ્યો હતો, અને દબાઈ જવાથી તેમનું કરુણ મૃત્યુ નીપજયું હતું.જે રૂમમાં કાટમાળ પડ્યો હતો તે રૂમની બાજુના જ રૂમમાં મૃતક હુસેનભાઇના પુત્ર જીગર હુસેનભાઇ ખફી, ગુશાનહસન હુશેનભાઈ ખફી, જીગરભાઈ ના પત્ની રુકસાના બેન અને તેઓનો ત્રણ વર્ષનો પુત્ર અલી અસગર ખફી કે જેઓ બાજુના રૂમમાં હોવાના કારણે તમામ નો ચમત્કારિક બચાવ થયો હતો.આ બનાવને લઈને આસપાસના રહેવાસીઓમાં ભારે દોડધામ થઈ હતી. જેમાં પરિવારના બાકીના સભ્યો તેમ જ આડોશી પાડોશી દ્વારા કાટમાળ હેઠળ દબાયેલા હુસેન ભાઈ ખફી કે જેઓને બહાર કાઢ્યા હતા. જે દરમિયાન જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટુકડીઓ ઉપરાંત ૧૦૮ ની ટુકડી પણ બનાવના સ્થળે આવી પહોંચી હતી, અને પોતાની સાથે લઈ ગયા હતા પરંતુ તબીબી સારવાર કારગત નિવડે તે પહેલાં તેમનું મૃત્યુ નીપજયું હતું. આ બનાવને લઈને આસપાસના વિસ્તારમાં ભારે માતમ છવાયો છે.પોલીસ તંત્રને પણ જાણ થવાથી સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર બનાવની વધુ તપાસ ચલાવે છે. ફાયર વિભાગ દ્વારા અને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા કાટમાળ વગેરે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.