જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં રહેતા ૩૮ વર્ષના યુવાનનું હૃદય બંધ પડી જતાં અપ મૃત્યુ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૧ ફેબ્રુઆરી ૨૪ મૂળ બિહાર રાજ્યના વતની અને હાલ મોટી ખોડીમાં રહીને મજૂરી કામ કરતા પરપ્રાંતિય શ્રમિક યુવાનનું હાર્ટ ફેઇલ થઈ જતાં મૃત્યુ નીપજ્યું છે. જે મામલે સિક્કા પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ બીહાર રાજ્યનો વતની અને હાલ મોટી ખાવડીમાં રહીને ખાનગી કંપનીમાં નોકરી કરતો અનુજ યાદવ નામનો ૩૮ વર્ષનો યુવાન, કે જે ગત ૧૯મી તારીખે બીમારીની સારવાર માટે સિક્કાની હોસ્પિટલમાં આવ્યો હતો, અને તેની સારવાર ચાલુ હતી દરમિયાન પોતે રજા લીધા વિના હોસ્પિટલથી બહાર નીકળી ગયો હતો, અને સિક્કા વિસ્તારમાં એકાએક બેશુદ્ધ થઈને ઢળી પડ્યો હતો.
તેને ફરીથી પ્રથમ સિક્કાની હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં ફરજ પરના તબીબે તેનું હાર્ટ ફેઇલ થઈ જવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સિક્કાના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુધીરસિંહ ડી. જાડેજાએ મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.