ખંભાળિયાના કમિશન એજન્ટનું કરોડો રૂપિયાનું બૂચ મારીને ધમકી આપતા સાત શખ્સો સામે ગુનો દાખલ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫ ઓક્ટોબર ૨૩ ખંભાળિયા: ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા ભાયાભાઈ જગાભાઈ ચાવડા નામના 50 વર્ષના આધેડ છેલ્લા ઘણાં સમયથી ખેડૂતો પાસેથી મગફળી, ચણા વિગેરે જેવી ખેત પેદાશો લઈ અને વેપારીઓને આપી કમિશન એજન્ટ તરીકે કામ કરતા હતા. છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન ભાયાભાઈ ચાવડા પાસેથી માંગરોળ તાલુકાના બામણવાડા ગામે રહેતા રમેશભાઈ ભાયાભાઈ પિઠીયાએ તેમની પાસેથી મગફળી, ચણા વિગેરે લીધા હતા. જે ભાયાભાઈએ ખંભાળિયા તથા કલ્યાણપુર તાલુકાના ખેડૂતો પાસેથી પૈસા બાકી રાખીને મેળવ્યા હતા.
આમ, કમિશનનો વ્યવસાય કરતા ભાયાભાઈએ ખેડૂતો પાસેથી મેળવીને રમેશભાઈ પિઠીયાને મોકલેલી 14,642 મણ મગફળી તેમજ 1,995 મણ ચણાની ચૂકવવાની થતી રકમમાં ગોટાળા કરી રૂપિયા 1.91 કરોડની રકમ આપવામાં ગલ્લા તલ્લા કરવામાં આવતું હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આટલું જ નહીં, આરોપી રમેશભાઈ પિઠીયાએ તેમની દીકરીના લગ્ન પેટે રૂપિયા 17 લાખ હાથ ઉછીના આપ્યા હોવા ઉપરાંત અન્ય બે આરોપીઓ મુળુભાઈ બાબુભાઈ પિઠીયા અને અજય બાબુભાઈ પિઠીયા દ્વારા માંગરોળની એક્સિસ બેન્કમાંથી ભાયાભાઈ ચાવડાના નામથી આરોપી રમેશભાઈ પિઠીયાને રૂપિયા 15 લાખની લોન અપાવી અને તેમના પર દેવું કરાવી દીધું હતું. આમ, રૂા. 2.49 કરોડની તોતિંગ રકમ આરોપી રમેશ પીઠિયા તથા તેમની સાથે ક્રિષ્ના રમેશ પિઠીયાએ દબાવી રાખી તેમને ચૂકવી ન હતી.
આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે રમેશભાઈ ભાયાભાઈ પિઠીયા, ક્રિષ્ના રમેશભાઈ પિઠીયા, મૂળુભાઈ બાબુભાઈ પિઠીયા, અજય બાબુભાઈ પિઠીયા, રોહિત તથા સંજય બારડ અને મુકેશ નામના તમામ સાત શખ્સો સામે આઈ.પી.સી. કલમ 306, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી, આ પ્રકરણમાં Dysp હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આગળની તપાસ પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.