પોતાની સાથે જેલવાસમાં રહેલા એક શખ્સને પોતાના બે સાગ્રીત કેદી સાથે જેલમાં માર માર્યાની પોલીસ ફરિયાદ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨ ફેબ્રુઆરી ર૫ , જામનગરમાં ખાનગી ફાઇનાન્સ કંપનીમાંથી ફાઇનાન્સ મેળવી ને ટ્રકો ની ખરીદી કર્યા પછી તેને બારોબાર વેચી નાખી કરોડોના ચીટિંગના પ્રકરણમાં જેલવાસ ભોગવી રહેલા રજાક ‘સોપારી’ એ જેલની અંદર પણ પોતાના લખણ ઝળકાવ્યા હતા, અને તેની સાથે જ જેલવાસ ભોગવી રહેલા એક શખ્સને સ્કોર્પિયો કાર ના વેચાણના સંદર્ભે પોતાના બે સાગરીત કેદી ની મદદ થી માર માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ટ્રકના ચીટીંગ કૌભાંડમાં જેલવાસ ભોગવી રહેલા અને મૂળ પોરબંદરના વતની ગાંગાભાઈ ઠેબાભાઈ કોડીયાતર (ઉંમર વર્ષ ૩૪)એ તાજેતરમાં જેલમાંથી જામીન પર છૂટ્યા પછી સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચી જઈ જેલની અંદર પોતાને અગાઉ ૯ ડિસેમ્બરના દિવસે માર મારવા અંગે અને ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે જેલવાસ ભોગવી રહેલા રજાક ઉર્ફે સોપારી દાઉદભાઈ ચાવડા, તેમજ તેની સાથે રહેલા અન્ય બે કેદીઓ રામભાઈ ભીમજીભાઇ નંદાણીયા અને રજાક સાયચા સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી ગાંગાભાઈ કે જે અગાઉ ટ્રક ચિટિંગના ગુનામાં જેલમાં હતો, જે દરમિયાન તેણે પોતાની સ્કોર્પિયો રજાક સોપારીના કુટુંબીને આપી હતી, તે સ્કોર્પિયો કાર ના હપ્તા ભરાયા ન હતા, જેથી તે કાર પોતાની પાસે રાખી લીધી હતી.દરમિયાન રઝાક સોપારીને જાણકારી મળતાં તેણે પોતાના અન્ય બે સાથી કેદીઓ રામભાઈ નંદાણીયા અને રઝાક સાયચા સાથે મળીને પોતાને જેલના પીસીઓમાં બોલાવ્યો હતો, અને ગંદી ગાળો આપી ઝાપટો મારી હતી, અને હાથ મરડીને સ્કોર્પિયો ને ભૂલી જવા માટે દબાણ કર્યું હતું, અને પતાવી દેવાની ધમકી આપી હતી.
જે બનાવ અંગે પોતે તાજેતરમાં જામીન પર છૂટ્યા પછી આ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને સિટી એ. ડિવિઝન પોલીસે ત્રણેય કેદીઓ સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૧૧૯(૧), ૩૫૧(૩), ૨૯૬(બી) અને ૫૪ મુજબ ગુનો નોંધી ત્રણેય આરોપીઓનો જેલમાંથી કબજો મેળવવા માટેની અદાલતી કાર્યવાહી હાથ ધરી છે.