જામનગરના બર્ધન ચોકમા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી દરમિયાન દિવાલ તૂટતાં જામ્યુકોની એસ્ટેટ શાખા ના 3 કર્મચારીઓ ઘાયલ
એક કર્મચારીને પગમાં ફ્રેક્ચર તેમજ અન્ય બે કર્મચારીઓને હાથમાં ઈજા થતા જી. જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
દેશ દેવી ન્યુઝ જામનગર: ૨૯ જૂન ૨૨ જામનગરમાં બર્ધનચોક કાપડ માર્કેટ વિસ્તારમાં વેપારી દ્વારા ગેરકાયદેસર દીવાલ બનાવવામાં આવી હતી. જેને દૂર કરવા તંત્રએ ડીમોલેશનની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન એકાએક દીવાલ ધસી પડતાં મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના ત્રણ કર્મચારીઓ દીવાલના કાટમાળ હેઠળ દબાઈ ગયા હતા. જેથી તેઓને ઈજા પહોંચતા જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
આ દુર્ઘટનામાં એસ્ટેટ શાખાના કર્મચારી અજયસિંહ ચુડાસમાને ડાબા પગમાં ફ્રેકચર તેમજ ગોપાલ ખાણધર તથા અવેશ મકરાણી નામના બે કર્મચારીઓને હાથમાં ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત ત્રણેય કર્મચારીઓને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનાની જાણ થતા અધિકારીઓનો કાફલો હોસ્પિટલે દોડી આવ્યો હતો અને ત્રણેય કર્મચારીઓને સારવાર માટેની તજવીજ હાથ ધરી હતી. મનપાના કમિશ્નર વિજય ખરાડીએ પણ બનાવની વિગતો મેળવી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તેવી સુચના આપી હતી.