જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા એસટી કંડક્ટર ની જગ્યા પચાવી પાડવાના મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ
-
એક મહિલા દ્વારા ગેરકાયદે પેશ કદમી કરી કબર બનાવી નાખી ધાર્મિક દબાણ ઊભું કરી લીધાનું જાહેર થયું
-
જિલ્લા કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરાયા બાદ મામલો સામે આવતાં પોલીસે ગુનો નોંધ્યો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬, નવેમ્બર ૨૪ જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા એસ.ટી.ના કંડકટરનો પ્લોટ પચાવી પાડી તેમાં ધાર્મિક દબાણ ઉભું કરી લેનાર મુસ્લિમ મહિલા સામે અરજી કરાયા બાદ તપાસના અંતે પોલીસે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. જેથી ભારે ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર ત્રણ માં પ્લોટ ધરાવતા અને સરદાર પટેલ સોસાયટીમાં રહેતા તેમજ એસ.ટી. વિભાગમાં કંડકટર તરીકે ફરજ બજાવતા મહાવીરસિંહ નટુભા જાડેજાએ પોતાના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા પ્લોટ માં ગેરકાયદે પ્રવેશ કરી લઇ કબજો જમાવી લેવા અંગે તેમજ તેમાં ધાર્મિક દબાણ ઉભું કરી લેવા અંગે રોશનબેન અલીભાઈ સફિયા નામની મહિલા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીએસટી કંડકટર દ્વારા ૨૦૧૫ ની સાલમાં જામનગરના અશોકભાઈ જોશી નામના વ્યક્તિ પાસેથી પટેલ કોલોની શેરી નંબર ત્રણમાં હનુમાન મઢી મંદિર પાસે એક પ્લોટ ખરીદવામાં આવ્યો હતો, અને તે પ્લોટ ને ખુલ્લો રાખ્યો હતો.
જે પ્લોટમાં રોશનબેન સફિયા નામની મહિલાને ગેરકાયદે પેશ કદમી કરી લઈ ત્યાં કબર બનાવી લઈ તેમાં લોબાન વગેરે શરૂ કર્યું હતું. સાથો સાથ ઝૂંપડું બનાવી લીધું હતું. જે અંગે તેઓને જગ્યા ખાલી કરવાનું કહેતાં ખાલી કરી ન હોવાથી આખરે મામલો જિલ્લા કલેક્ટર સમક્ષ લઈ જવાયો હતો, અને લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ અરજી કરવામાં આવી હતી.
જેની તપાસના અંતે જમીનમાં ગેરકાયદે દબાણ થયું હોવાનું સામે આવ્યું હતું, આથી સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં રોશનબેન અલીભાઈ સફિયા સામે ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધિત વિધાયક કલમ ૪(૩),૫(ગ) મુજબ ગુનો નોંધ્યો છે, અને શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા ના સુપર વિઝનમાં સમગ્ર મામલાની તપાસ ચલાવવામાં આવી રહી છે.