જામનગર જીલ્લામાં યમરાજનો આંટો: 6 માસની બાળકી સહિત ચાર અપમૃત્યુથી અરેરાટી

0
493

જામનગર જીલ્લામાં યમરાજનો આંટો: 6 માસની બાળકી સહિત ચાર અપમૃત્યુથી અરેરાટી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગર જીલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન ચાર-ચાર મોત નોંધાતા અરેરાટી વ્યાપી જવા પામી છે. ચાર અપમૃત્યુની વિગતો મુજબ

જામનગરમાં છ માસની બાળકીનું આંચકી આવતા મૃત્યુ

જામનગર: જામનગરમાં અંધાશ્રમ ફાટક નજીક આવાસ કોલોનીના બ્લોક નંબર 46/9 માં રહેતા મહેશભાઈ જોગલની છ માસની પુત્રી બંસીબેન કે જેને ગઈકાલે પોતાના ઘેર આંચકી ઉપાડતાં બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી હોસ્પિટલમાં પહોંચાડતાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકની માતા હીનાબેન મહેશભાઈ જોગલે પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

પીપર ગામમાં હાર્ટએટેકથી ખેડૂત આધેડનું મોત
કાલાવડ તાલુકાના પીપર ગામમાં રહેતા અને ખેતીવાડી સંભળતા મનસુખભાઈ હરજીભાઈ રાંક નામના 55 વર્ષના પટેલ ખેડૂત ને શ્વાસની બીમારી હોવાથી ગઈ કાલે તેઓને એકાએક શ્વાસ ઉપાડ્યો હતો. જેથી તેઓને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન હૃદય બંધ પડી જવાના કારણે તેઓનું મૃત્યુ નિપજયું છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

શ્ર્વાસની બીમારીમાં આધેડનું સારવારમાં મોત
જામનગરમા દિગ્વિજય પ્લોટ શેરી નંબર 45 ના છેડે ગણેશવાસ વિસ્તારમાં રહેતા રમેશભાઇ ધનજીભાઈ પરમાર નામના 55 વર્ષના આધેડને ફેફસાની તેમજ શ્વાસની બીમારી હતી, દરમિયાન ગઈકાલે એકાએક શ્વાસમાં તકલીફ થઈ જતાં તેને સારવાર માટે જામનગરની જી જી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર આનંદભાઈ રમણીકભાઈ પરમારે પોલીસને જાણ કરતાં સીટી-સી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

કાલાવડ પંથકના બાવા ખાખરીયામાં વીજશોકથી મહિલાનું મોત

કાલાવડ તાલુકાના બાવા ખાખરીયા ગામ માં રહેતા મનહરબા ગિરિરાજ સિંહ જાડેજા નામના 53 વર્ષના મહિલા આજે સવારે પોતાના ઘેર કામ કરતા હતા જે દરમિયાન પાણીની ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતાં મોટર ના પંખા માં સાડી ફસાઈ ગઈ હતી, અને તેઓને એકાએક વીજ આંચકો લાગ્યો હતો, અને બેશુદ્ધ બની ગયા હતા. જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે છત્રપાલસિંહ ગિરિરાજ સિંહ જાડેજા એ પોલીસને જાણ કરતાં કાલાવડ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.