જામનગરમાં પૂનમબેન માડમ હેટ્રીક નોંધાવશે કે મારવીયા મેદાન મારશે ?

0
2593

પૂનમબેન માડમ હેટ્રીક નોંધાવશે કે મારવીયા મેદાન મારશે ?

  • કૌન બનેગા જામનગર કા સાંસદ ? કાલે જાહેર થશે લોકચૂકાદો ?

  • શહેરની હરિયા કોલેજ ખાતે આવતીકાલે સવારે આઠ વાગ્યાથી મતગણતરીનો થશે પ્રારંભ:

  • શરૂઆતમાં પોસ્ટલ મતપત્રકોની થશે ગણતરી: સાત વિધાનસભા વિસ્તારોના મતોની ગણતરી માટે સાત રૂપોમાં ૯૮ ટેબલ પર થશે કામગીરી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૩ જૂન ૨૪, જામનગરની લોકસભાની ચૂંટણી માટે ગત ૭.૫.૨૦૨૪ના રોજ મતદાન યોજાયું હતું. જેમાં ૧૮,૧૭,૮૬૪ મતદારો પૈકી ૧૦,૪૮,૨૯૧ મતદારોએ મતદાન કરતાં આ બેઠક પર ૫૭.૬૭ ટકા મતદાન થયું હતું. અને હવે આવતીકાલે મતગણતરી થવાની છે. જેને લઇને વહીવટીતંત્ર સજજ છે. જામનગર જિલ્લાના પાંચ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે સહિત સાત વિધાનસભા મત વિસ્તારની મતગણતરી આવતીકાલે હરિયા કોલેજ ખાતે યોજાશે જેની જિલ્લા વહીવટી તંત્રે પણ મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. અને વહિવટીતંત્રની સાથે પોલીસ પણ કોઇ અનિચ્છનીય બનાવ બને નહી અને મતગણતરીના સ્થળની આજુબાજુના વિસ્તારમાં ટ્રાફિકની વ્યવસ્થા જળવાઇ રહે તે માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યું છે.

હાલારની સાત વિધાનસભા મત વિસ્તારના મતદાનની મતગણતરી હરિયા કોલેજમાં કરવામાં આવશે. મતગણતરીની કામગીરીમાં બે હજારથી વધુ કર્મચારીઓ, અધિકારીઓ જેમાં માઇક્રો ઓબ્ઝર્વર, સુપરવાઇઝર કોમ્યુટર ટીમ, સુરક્ષા વ્યવસ્થામાં જોડાયેલ અધિકારીઓ, કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ કામગીરી માટે તંત્ર વહેલી સવારે જ મતગણતરીના સ્થળે પહોંચી જશે. અને આઠ વાગ્યે સૌ પ્રથમ પોસ્ટલ બેલેટના મતોની ગણતરી કરવામાં આવશે. આ ઉપરાંત દરેક વિધાનસભા મતક્ષેત્ર દીઠ પાંચ-પાંચ વીવીપેટની સ્લીપોની ગણતરી કરી. તેની ઇવીએમમાં પડેલા મતોની સાથે સરખામણી કરવામાં આવશે.

મત ગણતરી માટે વિધાનસભા બેઠક પ્રમાણે દરેક બેઠકમાં ૧૨ ટેબલ ગોઠવવામાં આવ્યા છે. 

જામનગર લોકસભાની બેઠકમાં આ વખતે કુલ ૧૦,૪૮,૨૯૧ મત પડ્યા હતા, અને પ્રત્યેક વિધાનસભા વિસ્તાર પ્રમાણે મત ગણતરી કરવામાં આવશે. જેમાં કુલ અલગ અલગ સાત વિધાનસભા વિસ્તારો માટેના ૭ રૂમોમાં ટેબલો ગોઠવવામાં આવ્યા છે, અને ૧૭ થી ૨૭ રાઉન્ડ દરમિયાન મતગણતરી હાથ ધરવામાં આવશે.

જેમાં રાઉન્ડ વાઇસ ગણતરી કરવામાં આવે તો ૭૬- કાલાવડ વિધાનસભા વિસ્તારમાં ૧૨ ટેબલ ગોઠવી ને ૨૪ રાઉન્ડમાં ગણતરી થશે, જયારે જામનગર ગ્રામ્યમાં ૧૨ ટેબલ ગોઠવીને ૨૩ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે.ત્યારબાદ જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં ૧૨ બેઠક પર ૨૦ રાઉન્ડમાં મતગણતરી કરાશે, જયારે જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં પણ ૧૨ ટેબલ ગોઠવીને ૧૭ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે.

જામજોધપુર વિધાનસભા વિસ્તારમાં ૧૨ ટેબલ ગોઠવીને ૨૩ રાઇન્ડ માં મત ગણતરી કરાશે.

જયારે ૮૧- ખંભાળિયા વિધાનસભા વિસ્તારમાં ૧૪ ટેબલો ગોઠવીને ૨૪ રાઉન્ડમાં મતગણના થશે, ઉપરાંત દ્વારકા વિધાનસભા માટે ૧૨ ટેબલ ગોઠવીને કુલ ૨૬ રાઉન્ડમાં મત ગણતરી હાથ ધરવામાં આવશે. સૌથી વધુ મત દ્વારકા વિધાનસભા વિસ્તારમાં ૧,૫૭,૩૬૫ મત પડ્યા છે, જેથી ત્યાં સૌથી વધુ ૨૬ રાઉન્ડમાં મત ગણતરી થશે, જ્યારે સૌથી ઓછા મત જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં ૧,૩૫,૮૩૦ પડ્યા હોવાથી ત્યાં ૧૭ રાઉન્ડમાં મતગણતરી પૂરી થઈ જશે.

જામનગર જિલ્લા ના મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર બી.કે. પંડ્યા ના માર્ગદર્શન હેઠળ સમગ્ર જામનગર લોકસભા ની બેઠક ના પ્રત્યેક વિધાનસભા વિસ્તારમાં દરેક ટેબલ દીઠ ત્રણ અધિકારી અને અન્ય સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત ૧૦ ટકા જેટલો સ્ટાફ રિઝર્વમાં રાખવામાં આવ્યો છે. મતગણતરીમાં ફરજ બજાવનારા તમામ અધિકારી અને કર્મચારીઓને કેવી રીતે મતગણતરી થાય, અને શું તકેદારી રાખવી, તેની તમામ તાલીમ આપવામાં આવી છે.