જામનગર જિલ્લાના જામજોધપુરમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ: જ્યારે કાલાવડમાં પણ અડધો ઇંચ વરસાદ
-
જામનગર શહેર- ધ્રોળ અને જોડીયામાં વરસાદી ઝાપટાં વરસી જતાં અનેક સ્થળોએ રાસ ગરબા ના કાર્યક્રમો અટક્યા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ ઓક્ટોબર ૨૪ જામનગર જિલ્લામાં શનિવારે સાંજે એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો, અને જામજોધપુરમાં મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી હતી, અને રાત્રિના આઠ વાગ્યાથી ૧૦.૦૦ વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર અઢી ઇંચ વરસાદ પડી ગયો હતો. જેના કારણે ફરીથી નદીનાળા માં પુર આવ્યા હતા. આ ઉપરાંત કાલાવડ પંથકમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
શનિવારે સાંજથી વાતાવરણમાં બદલાવ આવ્યા બાદ જામનગર શહેર – ધ્રોળ અને કાલાવડમાં રાત્રિના નવ વાગ્યા પછી છૂટાછવાયા વરસાદની ઝાપટા શરૂ થઈ ગયા હતા, તેના કારણે નવરાત્રીના આયોજનમાં ભંગાણ પડ્યું હતું. અને સ્થળોએ નવરાત્રીના અંતિમ દિવસ કે જેમાં મેઘરાજા ની રાસલીલા જોવા મળી હતી.
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં અર્વાચીન રાસ મહોત્સવ ચાલી રહ્યા છે, તે તમામ રાસ મહોત્સવ ના કાર્યક્રમ બંધ રાખવા પડ્યા હતા. નાની શેરી ગલી ના ગરબા મહોત્સવમાં પણ વરસાદ વેરી બન્યો હતો, અને નવરાત્રીના કાર્યક્રમ વેલા આટોપી લેવાનો વારો આવ્યો હતો. જોકે આજે રવિવારે સવારથી ઉઘાડ નીકળી ગયો હોવાથી સમગ્ર જિલ્લામાં ક્યાંય વરસાદના વાવડ મળ્યા નથી.