જામનગરના રણજીત સાગર ડેમમાં નહાવા પડેલા યુવાનનું ડૂબી જતાં કરુણ મૃત્ય

0
5579

જામનગરના નજીક રણજીત સાગર ડેમમાં નહાવા પડેલા ત્રણ પરપ્રાંતિય યુવાનો પૈકીના એક યુવાનનું ડૂબી જતાં કરુણ મૃત્ય

  • ફાયર બ્રિગેડની ટુકડીએ દોડી જઈ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો: પોલીસ દ્વારા આગળની કાર્યવાહી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ ઓગસ્ટ ૨૪, જામનગર ના સાધના કોલોની વિસ્તારમાં રહેતા અને મૂળ બિહાર રાજ્યના વતની એવા ત્રણ પર પ્રાંતિય શ્રમિક યુવાન ગઈકાલે બપોરે રણજીતસાગર ડેમમાં નાહવા માટે ગયા હતા, દરમિયાન અકસ્માતે એક યુવાનનું ડૂબી જતાં મૃત્યુ નીપજયું છે. ફાયર બ્રિગેડે મૃતદેહ ને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ બિહાર રાજ્યના વતની અને હાલ જામનગરમાં સાધના કોલોનીમાં રહીને મજૂરી કામ કરતા ત્રણ પરપ્રાંતિય શ્રમિક યુવાનો, કે જેઓ આજે બપોરે જામનગર નજીક રણજીત સાગર ડેમ પાસે સમાણા તરફ જવાના બ્રિજ નીચે નાહવા માટે પડ્યા હતા. જે દરમિયાન આશરે સાડાચારેક વાગ્યાના અરસામાં પ્રવીણ કુમાર નામનો એક યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો, અને તેની સાથેના અન્ય બે યુવાનોએ બુમાંબૂમ કરી હતી.

પરંતુ તેઓને તરતાં આવડતું ન હોવાથી બચાવી શક્યા ન હતા, અને તુરતજ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયર શાખાની ટુકડી આશરે ૧૫ મિનિટના સમય ગાળામાં બનાવના સ્થળે પહોંચી હતી, અને પાણીમાં શોધ ખોળ કર્યા પછી પ્રવીણ કુમાર નામના યુવાનના મૃતદેહ ને પાણીમાંથી બહાર કાઢ્યો હતો, અને પોલીસને સુપ્રત કર્યો હતો.પંચકોશી એ. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે મૃતકના પરિવારજનોને તેના વતનમાં જાણ કરવામાં આવી છે.