જામનગર નજીક ખંભાળિયા બાયપાસ રોડ પર બે બાઈક સામસામે અથડાઈ પડતાં એક બાઈક ના ચાલક યુવાનનું હેમરેજ થઈ જતાં કરુણ મૃત્યુ
-
આશાસ્પદ યુવાનના મૃત્યુને લઈને બે વર્ષની બાળકી અને ત્રણ માસના પુત્ર એ પિતાનું છત્ર ગુમાવ્યું
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ જાન્યુઆરી ૨૫, જામનગર- ખંભાળિયા બાયપાસ રોડ પર ગઈકાલે બપોરે બે બાઈક સામસામે અથડાઈ પડતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈકના ચાલક યુવાનને માથાના ભાગે હેમરેજ થઈ જતાં ગંભીર ઇજા થયા પછી તેનું મૃત્યુ નિપજયું છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નિલકમલ સોસાયટી પાછળ રહેતો અને એક બ્રાસપાર્ટના કારખાનામાં મજૂરી કામ કરતો વિનોદ કાળુભાઈ પરમાર નામનો ૩૨ વર્ષનો યુવાન કે જે ગઈકાલે બપોરે પોતાના ઘેરથી જમીને પરત કારખાને જઈ રહ્યો હતો, તે દરમિયાન ખંભાળીયા બાયપાસ રોડ પર સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા જીજે ૧૦ સી.પી. ૧૪૫૬ નંબર ના બાઈક ના ચાલકે ઠોકર મારી દેતાં બંને બાઈક સામસામે અથડાઈ પડ્યા હતા, અનેગોજારો અકસ્માત થયો હતો.જે અકસ્માતમાં વિનોદ કાળુભાઈ પરમારને માથાના ભાગે ત્રણ જેટલા હેમરેજ સહિતની ઈજા થઈ હતી, અને તેને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ ત્યાં સારવાર મળે તે પહેલાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.
આ અકસ્માતના બનાવ અંગે મૃતક વિનોદ ના પિતા કાળુભાઈ લખમણભાઇ પરમારે પોલીસને જાણ કરતાં પોલિસ હેડ કોન્સ્ટેબલ ડી.જી. ઝાલા એ મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે અકસ્માતર સર્જનાર બાઈક ના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.આ અકસ્માતના બનાવને લઈને ત્રણ માસના પુત્ર અને ૨ વર્ષની બાળકીએ પોતાના પિતાનું છત્ર ગુમાવ્યું છે.