જામનગર શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન ટ્રાફિકની સમસ્યાના સર્જાય તે માટે પોલીસની મેગા ડ્રાઈવ
-
શહેરની ટ્રાફિક શાખા સહિતની પોલીસ ટુકડી દ્વારા ટ્રાફિકને અડચણ રૂપ ૧૦૦ થી વધુ વાહનો ડીટેઇન કરી લેવાયા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ ઓક્ટોબર ૨૪, જામનગર શહેરમાં ખાસ કરીને દિવાળીના દિવસો દરમિયાન શહેર અને આસપાસના વિસ્તારના લોકો ખરીદી કરવા આવતા હોય છે, ત્યારે તેઓને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જે સમસ્યાના નિવારણ અર્થે જામનગર ના જિલ્લા પોલીસવડા ની રાહબરી હેઠળ ટ્રાફિક શાખા સહિતની પોલીસ દ્વારા સંયુક્ત મેગા ડ્રાઇવ રાખવામાં આવી હતી, અને એકીસાથે ૧૦૦ થી વધુ નાના-મોટા વાહનો ડીટેઇન કરી લેવામાં આવ્યા છે.જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસૂખ ડેલુ, શહેરવિભાગ નાયબ પોલિસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા ના માર્ગદર્શન મુજબ ગઈકાલે ટ્રાફિક શાખાના પો. ઈન્સ. એમ. બી. ગજ્જરની આગેવાનીમાં પો. સબ. ઈન્સ. આર. એલ. કંડોરીયા , આર. સી. જાડેજા તથા પો. સબ. ઈન્સ. એ. એચ. ચોવટ વગેરેએ અલગ અલગ ટીમો બનાવી આવનારા દિવાળીના તહેવાર નિમિત્તે આજુ બાજુના ગામડાના લોકો ખૂબ મોટા પ્રમાણમાં ખરીદારી કરવા માટે આવતા હોય છે, જે અન્વયે લોકોને તથા શહેરી પ્રજાજનોને કોઈ ટ્રાફીકની સમસ્યા ન સર્જાય તે માટે મેગા ડ્રાઇવ રાખવામાં આવી હતી.
જેમાં ખાસ કરીને શહેરના સાત રસ્તા સર્કલ, ખોડિયાર કોલોની, દિગજામ સર્કલ, સમર્પણ સર્કલ, એસ. ટી. રોડ, જી. જી. હોસ્પિટલ રોડ, સુભાષ બ્રિજ જેવા મહત્વના સ્થળો ઉપર જાહેર માર્ગ પર અડચણરૂપ ટ્રાફિક કરતા ગેર કાયદેસર પેસેન્જરો ભરતા, અડચણ રૂપ વાહનો, ડ્રાઈવિંગ લાયસન્સ વગરના વાહન ચાલકો વિરૂધ્ધ ખાસ મેગા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરાયું હતું.
આ ખાસ ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન રિક્ષા, ખાનગી ટ્રાવેલ્સની બસો, ઇકોકાર, તેમજ અન્ય પેસેન્જર વાહનો મળી કુલ ૧૦૦ થી વધુ વાહનો ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.