જામનગરના લાખોટા તળાવમાંથી વૃદ્ધ મહિલાનો મૃતદેહ ફાયરે બહાર કાઢ્યો
-
એકલવાયા જીવનથી કંટાળી જઇ વૃદ્ધ મહિલાએ તળાવમાં ઝંપલાવી જીવન લીલા સંકેલી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૨ ઓકટોબર ૨૪, જામનગરમાં લાખોટા તળાવના પાછલા ભાગમાંથી ગઈકાલે બપોરે એક વૃધ્ધાનો મૃતદેહ મળી આવતાં ફાયરની ટીમે બહાર કાઢીને પોલીસને સોંપ્યો હતો. વૃધ્ધાએ એકલવાયા જીવન અને બીમારીથી કંટાળી જઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
જામનગરમાં ગાંધીનગર નજીક મોમાઈનગર શેરીનં-પમાં ભાડાના મકાનમાં રહેતા જેઠીબેન ઉત્તમચંદ ગોકલાણી (ઉ. વ.૮૦) નામના વૃધ્ધા એકલવાયુ જીવન જીવતા હોય અને તેમનો પુત્ર અમદાવાદ રહેતો હોય અને પુત્રના લગ્ન પછી તે જામનગર શહેરમાં જ રહે છે. જે વૃધ્ધાએ એકલવાયા જીવન તેમજ વૃધ્ધાવસ્થાના અને બીમારી ના કારણે જિંદગીથી તંગ આવી જઇ રવિવારની રાત્રે પોતાના ઘેરથી નીકળી ગયા હતા, અને તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.
જેઓનો મૃતદેહ ગઈકાલે બપોરે પાણીમાં તરતો હોવાનું ધ્યાનમાં આવતા ત્યાંથી પસાર થનારી વ્યક્તિએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયર ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને વૃદ્ધ મહિલા ના મૃતદેહ ને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો હતો. આથી પોલીસે તેનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.