જામનગર સહિત 3 જિલ્લાને ઠગનાર ”નવા નાગના” ગામના ઠગના કારનામાં ખૂલ્યા

0
4294

જામનગરના નવાનાગનાના ઠગના વધુ કારનામા ખૂલ્યા

ખંભાળિયાના મહિલા એજન્ટ સહિતના રોકાણકારોની રૂા.15.31 લાખની રકમ પડાવી લઈ છેતરપિંડી આચરવા અંગે જામનગરના ઠગ વિરૂધ્ધ : જામનગર – ખંભાળિયા- રાજકોટ સહિતના અનેક લોકો ને સીસામાં ઉતારી દોઢેક કરોડનું ફુલેકુ ફેરવ્યાનું અનુમાન

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૦ માર્ચ ૨૩ : જામનગર નજીક નવાનાગના ગામમાં રહેતા એક શખ્સે રોકાણના નામે અનેક લોકોને શીસામાં ઉતાર્યા હતા, અને રફુ ચક્કર થઈ ગયો હતો, જે શખ્સ એકાએક પ્રગટ થતાં સ્થાનિક રહેવાસી મહિલાઓએ એકત્ર થઈને પોલીસ મથકમાં રજૂ કર્યો હતો. મહિલા એજન્ટો મારફતે અનેક લોકો પાસેથી રોકાણના બહાને પૈસા ઉઘરાવી લીધા પછી મહિલા એજન્ટ ની ફરિયાદના આધારે તેની સામે 15.31 લાખની રકમ ની ઉચાપત કર્યા અંગેનો ગુનો નોંધાયો છે. ઉપરાંત અન્ય ભોગ બનનાર ના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક નવાનાગના ગામમાં રહેતો દિનેશ સવજીભાઈ રાઠોડ નામનો શખ્સ કે જેને લઈને થોડા દિવસો પહેલાં સ્થાનિક મહિલાઓનું ટોળું સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યું હતું, અને દિનેશ રાઠોડને પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો.જેમાં જણાવ્યું હતું કે પોતાને રોકાણના બહાને એજન્ટ બનાવી અનેક લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા છે અને પોતે છેલ્લા કેટલાક સમયથી રફુચક્કર થઈ ગયો છે. જેથી પોલીસે દિનેશ રાઠોડ ને બેસાડીને પૂછપરછ શરૂ કરી હતી, અને આ બનાવ સીટી એ. ડિવિઝન વિસ્તારમાં બન્યો હોવાથી સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેને સુપ્રત કરી દેવાયો હતો. જયાં તેની ઊંડાણપૂર્વકની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી જે પૂછપરછ ના અંતે ખંભાળિયા ની વતની અને દિનેશ રાઠોડની ઓફિસમાં એજન્ટ તરીકે કામ કરતી કાનનબેન સુરેશભાઈ નકુમ નામની મહિલાએ પોતાની પાસેથી તથા અન્ય કેટલાક લાભાર્થીઓ પાસેથી લોભામણી સ્કીમની લાલચના બહાને કુલ 15 લાખ 31 હજાર જેટલી રકમ મેળવી લઈ પરત નહીં આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.જે પ્રકરણમાં આરોપી દિનેશ રાઠોડ સામે પોલીસે આઈપીસી કલમ 406, 420 અને 114 તેમજ ગુજરાત થાપણદારોના હિતના રક્ષણની બાબતો અધિનિયમ 2003 ની કલમ -3 મુજબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં હજુ અનેક લોકો ભોગ બન્યા છે, જેઓ સીટી એ. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કરી રહ્યા છે અને તેઓના નિવેદન નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે.