જામનગર જીલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવથી અરેરાટી.: પરિણીત અને અપરિણીત યુવતીની આત્મહત્યા.!

0
709

જામનગર જીલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવથી અરેરાટી.

પોતાના માવતરે આવેલી પરિણીતાએ જંતુનાશક દવા પી આયખું ટુંકાવ્યું

જામનગરમાં અગાશી પરથી નીચે પટકાતા પ્રૌઢનું મોત.

બામણ ગામમાં અપરિણીત યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આત્મહત્યા કરી

પ્રથમ બનાવ :જામનગર: કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામમાં રહેતી અને રાજકોટ પરણાવેલી ધારાબેન ચિરાગ ભાઈ ચાંગાણી નામની 26 વર્ષની પરિણીત યુવતી કે જે તાજેતરમાં પોતાના માવતરે આવી હતી, અને પોતાના ઘરમાં પડેલી જંતુનાશક દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને ગોંડલની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું આજે મૃત્યુ નિપજયું છે.

આ બનાવ અંગે મૃતકના પિતા વિનોદ ભાઈ હરજીભાઈ રામોલિયાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પૂછપરછમાં તેણી માનસિક બીમારીથી પીડાતી હતી. જે બીમારીના કારણે જિંદગીથી તંગ આવી જઈ આ પગલું ભરી લીધું હોવાનું પિતા દ્વારા જાહેર કરાયું હતું.

બીજો બનાવ : જામનગરમાં કૃષ્ણ નગર શેરી નંબર -4 માં રહેતા પ્રવિણભાઇ કલાભાઇ ડોબરીયા નામના 65 વર્ષના વયોવૃદ્ધ ગઇકાલે વહેલી સવારે છ વાગ્યાના અરસામાં પોતાના રહેણાંક મકાનની અગાસી પરથી અકસ્માતે નીચે પટકાઈ પડયા હતા. જેઓને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા, પરંતુ ત્યાં તેમનો મૃતદેહ પહોંચ્યોજ હતો. આ બનાવ અંગે અલ્પેશ વલ્લભ ભાઈ ચોવટીયા એ પોલીસને જાણ કરતા સીટી સી ડિવિઝન પોલીસે મૃતદેહને કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજો બનાવ : કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતી એક અપરિણીત યુવતીએ ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવે છે. આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના બામણગામ માં રહેતી કિંજલબેન બાબુભાઈ મકવાણા નામની 21 વર્ષની અપરિણીત યુવતીએ ગઈકાલે પોતાના ઘર કોઈ અગમ્ય કારણોસર જંતુનાશક દવા પી લેતાં તેણી બેશુદ્ધ બની ગઈ હતી, અને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ રાજકોટ પહોંચી ગઈ હતી, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ તેના મૃત્યુનું કારણ જાણવા માટે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.