જામનગરના માઉન્ટેડ પોલીસ વિભાગમાં જોડાયેલા ત્રણ અશ્વના માત્ર આઠ દિવસના સમયગાળા દરમિયાન મૃત્યુ નિપજતાં ભારે દોડધામ
પશુ ચિકિત્સકોની મદદથી ત્રણેય અશ્વ ના પી.એમ. કરાવી સેમ્પલને અમદાવાદ અને હરિયાણાની લેબોરેટરીમાં મોકલાવાયા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ ફેબ્રુઆરી ૨૫, જામનગર ના પોલીસ હેડ ક્વાર્ટર ના માઉન્ટેડ વિભાગમાં જોડાયેલા ચેતક, હરણી તેમજસરીતા નામના ત્રણ અશ્વના માત્ર આઠ દિવસના સમયગાળા દરમિયાન મૃત્યુ નિપજતાં પોલીસ બેડામાં ભારે દોડધામ થઈ છે.પશુ ચિકિત્સકની ટીમને સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી, અને ત્રણેય અશ્વના પી.એમ. કરાવ્યા બાદ તેમના સેમ્પલો વગેરે મેળવીને પૃથકરણ માટે અમદાવાદ તેમજ હરિયાણાના હિસ્સાની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.જામનગરના પોલીસ હેડક્વાર્ટર માં હાલમાં કુલ ૧૬ જેટલા અશ્વ માઉન્ટેડ વિભાગ સાથે જોડાયેલા છે, અને તેઓની સેવા લેવામાં આવે છે. જે પૈકી ગત ૨૭ મી તારીખે હરણી નામની માદા અશ્વનું ટૂંકી બીમારીમાં મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ ૩૦મી તારીખે ચેતક નામના અશ્વનું પણ ત્રણ દિવસની ફીવર ની બીમારી બાદ મૃત્યુ થયું હતું, અને ગત ૪થી તારીખે સરિતા નામની માદા અશ્વનું પણ ટૂંકી બીમારીમાં જ મૃત્યુ નિપજ્યું હતું, જેથી પોલીસ તંત્રમાં ભારે દોડધામ થઈ છે.મોન્ટેડ વિભાગની ટીમ દ્વારા ત્રણેય મૃત અશ્વ ના પોસ્ટ મોર્ટમની કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લાના પશુ ચિકિત્સક ડો. તેજશ શુક્લા અને તેઓની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી, અને ત્રણેય પશુઓની બીમારી દરમિયાન સારવાર કરવામાં આવી હતી, અને તેઓના મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.જેના નમુના લેવામાં આવ્યા હતા અને અમદાવાદ તેમજ હરિયાણાના હિસ્સારમાં આવેલી પશુઓની લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે. તેના રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર હકીકત જાણવા મળશે. તમે પોલીસ દળના અન્ય અશ્વ ની મેડીકલ ચકાસણી પણ કરવામાં આવી રહી છે. પોલીસ દળમાં ફરજમાં જોડાયેલા ચેતક અશ્વની ઉંમર ૨૪ વર્ષ જેટલી હતી, જ્યારે હરણી તેમજ સરિતા નામની બંને માદા અશ્વ ની ઉંમર ૧૭-૧૭ વર્ષની હતી.પોલીસ દળમાં હાલ ૧૩ અશ્વ સેવારત છે, જયારે ત્રણ અશ્વ નિવૃત્ત થયા છે. પરંતુ તેની સાર સંભાળ રાખવામાં આવી રહી છે. ત્યારે એક વછેરૂ છે, જેની પણ સાર સંભાળ થઈ રહી છે.