જામનગરના આદર્શ સ્મશાનમાં પાણી ભરાઈ જતાં અગ્નિદાહની પ્રક્રિયા અટકી

0
5743

જામનગર શહેરના આદર્શ સ્મશાનમાં પાણી ભરાઈ જતાં બંને ભઠ્ઠીઓને ભારે નુકસાન: લાકડા થી પણ અગ્નિદાહની પ્રક્રિયા અટકી

  • સ્મશાન વ્યવસ્થા કમિટી દ્વારા એકત્ર કરીને રખાયેલું ૧૨૦૦ મણ લાકડું પાણીમાં તણાંઈ ગયું : દસ હજાર નંગ છાણા પલળી ગયા

  • સ્મશાન ગૃહમાં બે મૃત ભેંસ અને એક ગાય પણ તણાઈ આવી:લાકડું ટકરવાના કારણે અનેક પ્રતિમાઓને નુકસાન

  • જામનગર ના નીચાણવાળા વિસ્તારના લોકોની રેંકડી સહિત ની સામગ્રી તરીને આદર્શ સ્મશાન માં ઘૂસી આવી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૮ ઓગસ્ટ ૨૪, જામનગર ના આદર્શ સ્મશાન ગૃહમાં ભારે વરસાદના કારણે પૂરના પાણી ઘુસ્યા છે, અને અંતિમ ક્રિયા માટેની બંને ભઠ્ઠીઓને ભારે નુકસાની થઈ છે. એટલું જ માત્ર નહીં ૧૨૦૦ મણ લાકડું તણાઈ ગયું છે, અને દસ હજાર નંગ જેટલા છાણા પણ પલળી ગયા છે, સ્મશાન વ્યવસ્થા કમિટી દ્વારા સાફ-સફાઈ કાર્ય હાથ ધરાયું છે.

જામનગર ના માણેકબાઈ સુખધામ આદર્શ સ્મશાન ગ્રહ કે જે નીચાણ વાળા વિસ્તારમાં આવેલું હોવાથી વરસાદના પુરનું સાત ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે, અને સમગ્ર પરિસર સરોવરમાં ફેરવાઈ ગયું છે.

સ્મશાન ની અંદર આવેલી બંને ભઠ્ઠીઓ કે જેમાં પાણી ભરાઈ ગયું હોવાના કારણે ભઠ્ઠીઓને ભારે નુકસાની થઈ છે. ઈલેક્ટ્રીક પેનલ સહિતની તમામ યંત્ર સામગ્રી પાણીમાં ગરકાવ થયેલી છે. સાથો સાથ લાકડું પણ તણાયું હોવાથી અને પાણી ભરેલા હોવાથી અગ્નિદાહની પ્રક્રિયા છેલ્લા બે દિવસથી અટકી પડી છે.

ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને સ્મશાન વ્યવસ્થા કમિટી દ્વારા અંદાજે ૧૨૦૦ મણ લાકડું એકત્ર કરીને સંગ્રહ કરી લેવાયું હતું, પરંતુ પાણીના પ્રવાહમાં લાકડું તણાઈ ગયું છે. જેથી પણ ભારે નુકસાની થઈ છે. આ ઉપરાંત ૧૦,૦૦૦ નંગ છાણા એકત્ર કરીને એક રૂમમાં રખાયા હતા, પરંતુ તે તમામ છાણા પણ પલળી ગયા છે, જેથી હાલ લાકડા થી પણ અગ્નિદાહની પ્રક્રિયા અશક્ય બની છે.આદર્શ સ્મશાન વ્યવસ્થાપક કમિટી ના સેક્રેટરી દર્શનભાઈ ઠક્કર અને તેઓની સમગ્ર ટીમ સ્મશાનમાંથી પાણી બહાર કાઢવા માટે તેમજ જરૂરી સાફ સફાઈ માટેની વ્યવસ્થા કાર્યમાં જોડાયા છે.

જામનગરના સ્મશાન ગૃહ ના આસપાસના વિસ્તારની સોસાયટીમાંથી પાણીનો ધસમસ્તો પ્રવાહ સ્મશાન ગૃહ પરિસરમાં આવ્યો હોવાથી સ્થાનિક નાગરિકોના પ્લાસ્ટિકના ડોલ ડબલા તથા અન્ય ઘરવખરી સહિતની સામગ્રી વગેરે તરીને સ્મશાન પરિસરમાં આવી ગઇ છે, અને દિવાલને અટવાઈને સામગ્રી જમા થયેલી જોવા મળી છે. ઉપરાંત એક લાકડાની રેકડી પણ તરીને સ્મશાન ગ્રહ ની અંદર આવીને અટવાઈ પડી છે, તે તમામને પણ હટાવવા માટેની કાર્યવાહી સ્મશાન વ્યવસ્થા કમિટી દ્વારા કરવામાં આવી રહી છે.

જામનગરના આદર્શ સ્મશાન ગૃહમાં દેવી દેવતાઓ ઉપરાંત મહાનુભાવો સહિતની પ્રતિમાઓ આવેલી છે, જે પ્રતિમા સાથે લાકડું ટકરાતાં પ્રતિમાઓને પણ નુકસાની થઈ છે.જામનગરના આદર્શ સ્મશાન ગૃહમાં રેકડી તથા અન્ય કેટલીક સામગ્રી તણાઈને આવી છે, તેની સાથે સાથે એક મૃત ગાય તેમ જ બે મૃત ભેંસ પણ તણાઈ ને આવી છે, જેનો પણ નિકાલ કરવા માટે સ્મશાન વ્યવસ્થા કમિટી પ્રયત્ન કરી રહી છે.