જામનગર માં લાપતા બનેલા કિશોરને પોલીસે શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું

0
1765

જામનગરના ગણપત નગર વિસ્તારમાં સ્કૂલેથી છૂટીને લાપતા બનેલા ૧૩ વર્ષના કિશોરને પોલીસે શોધી કાઢી માતા-પિતા સાથે મિલન કરાવ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫ ફેબ્રુઆરી ૨૪, જામનગરમાં શંકર ટેકરી દલિત નગર વિસ્તારમાં રહેતો ૧૩ વર્ષનો કિશોર ગણપત નગર વિસ્તારમાં આવેલી શાળાએ ગયા પછી એકાએક લાપતા બન્યો હતો. સમગ્ર મામલો પોલીસ મથકમાં લઈ જવાયા પછી મોડી રાત્રે પોલીસે બાળકને શોધી કાઢ્યો હતો, અને તેના માતા-પિતા સાથે મિલન કરાવી દેતાં પરિવારજનોએ હર્ષના આંસુ સાથે તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ બનાવ ની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી નજીક હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા કાંતિભાઈ પુંજાભાઈ ખીમસુરીયા નો ૧૩ વર્ષ નો પુત્ર કે જે ગણપત નગર વિસ્તારમાં આવેલી એક શાળામાં અભ્યાસ કરવા જાય છે, ત્યાં શનિવારે સવારે બાળકના વાલીએ સવારે ૮.૩૦ વાગ્યે બાળકને સ્કૂલે મૂકયા પછી બપોર પછી છૂટીને બાળક પરત ફર્યો ન હતો, તેથી પરિવારજનોમાં ચિંતા નું મોજુ પ્રસર્યું હતું.સમગ્ર દિવસ દરમિયાન બાળકની શોધખોળ કરવા છતાં પણ કોઈ પત્તો નહીં સાંપડતાં આખરે મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બાળક લાપતા બન્યાની જાણ કરાઈ હતી.

જેથી પોલીસ તંત્રએ સમગ્ર બનાવવાની ગંભીરતા સમજી હતી, અને સીટી સી. ડિવિઝનના ઇનચાર્જ નાયબ પોલીસ અધિકારી નયના ગોરડીયા દ્વારા જુદી જુદી અલગ ટીમો બનાવી હતી, અને બાળકને શોધવા માટેની કવાયત શરૂ કરી હતી.દરમિયાન રાત્રિના અઢી વાગ્યાના અરસામાં બેડીબંદર રીંગરોડ પર આવેલા નીલકંઠ પાર્કની સામે હનુમાનદાદાના મંદિરના ઓટલા પરથી બાળક મળી આવ્યો હતો. જેનો કબજો સંભાળી બાળકના વાલીઓને પોલીસ મથકે બોલાવી લીધા હતા, અને તેનો કબજો સોંપી આપ્યો હતો. જેથી બાળકના પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી, અને હર્ષના આંસુ સાથે પોલીસ તંત્ર નો આભાર વ્યક્ત કર્યો હતો.