જામનગરના ખાખીનગર વિસ્તારમાં બુટલેગર અને તેની પત્નિએ પોલીસ સાથે કરી બબાલ

0
1025

જામનગરના ખાખીનગર વિસ્તારમાં બુટલેગર અને તેની પત્નિએ પોલીસ સાથે કરી બબાલ

એક અરજીના અનુસંધાને આરોપીને પકડવા માટે ગયેલી પોલીસ પાર્ટી સાથે દંપતીએ અણછાજતું વર્તન

ધર્મેશ’ની અટકાયત કરી પોલીસે ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધ્યો

જામનગર : જામનગરમાં ખાખી નગર વિસ્તારમાં રહેતા ધર્મેશ ઉર્ફે ધમો રસિકભાઈ ગોહિલ નામના શખ્સ સામે અડધો ડઝનથી વધુ દારૂ અંગેના ગુન્હા નોંધાઈ ચૂક્યા છે, જ્યારે બે થી વધુ મારામારીના કેસ નોંધાયા છે. જે શખ્સ સામે સિક્કાના એક દારૂના ધંધાર્થીઓ પૈસાની લેતીદેતી મામલે સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરી હતી.

જે અરજીના અનુસંધાને પોલીસ દ્વારા ધર્મેશ ને અવારનવાર પોલીસ મથકે આવવા જણાવાયું હતું, પરંતુ તે ભાગતો ફરતો રહ્યો હતો. દરમિયાન ગઇકાલે મોડી રાત્રે ધર્મેશ પોતાના ઘેર આવીને સંતાયો છે, તેવી બાતમી પોલીસને મળી જતાં સીટી-સી ડિવિઝનના પીએસઆઇ હરીયાણી તેમજ સ્ટાફના ધવલગીરી પ્રવીણ ગીરી ગોસાઈ વગેરે ધર્મેશ ને પકડવા માટે તેના ઘેર ખાખીનગર વિસ્તારમાં પહોંચ્યા હતા.

જ્યાં તેને ઊંઘતું ઝડપી લીધો હતો, અને પોલીસ વેનમાં બેસીને પોલીસ મથકે આવવા માટેનું જણાવ્યું હતું. પરંતુ તેણે પોલીસની સાથે આવવા માટે નો ઇનકાર કરી દઇ અનેક પ્રકારના ધમપછાડા કર્યા હતા.

જેણે પોલીસ કર્મચારી ધવલગિરીનો કાંઠલો પકડી લઈ તેનું ટી શર્ટ ફાડી નાખ્યું હતું, ઉપરાંત ઝપાઝપી કર્યા પછી પોલીસવેન સાથે પોતાના માથા પછાડી ઇજાગ્રસ્ત બની જવા અંગે નો ખેલ શરૂ કરી દીધો હતો.

આ સમગ્ર ઘટના સમયે તેની પત્ની હેતલબેન ધર્મેશભાઈ એ પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો શૂટિંગ કર્યું હતું, ત્યાર પછી માર મારવા અંગે અને એટ્રોસિટી એક્ટ ની કલમ હેઠળ પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરશે, તેવી ધમકી ઉચ્ચારી હતી.

એટલું જ માત્ર નહીં હેતલબેન એ પોતે ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરી લેશે તેવી ચિમકી આપીને પોતાના પતિને છોડાવવા નો પ્રયત્ન કર્યો હતો. આખરે પોલીસે ધર્મેશ ને પોલીસ વાનમાં બેસાડી દઇ સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં લઈ ગયા હતા. જયાં પોલીસ કર્મચારી ધવલગીરી ગોસાઈ ની ફરિયાદના આધારે આરોપી દંપતી ધર્મેશ ઉર્ફે ધમો રસિકભાઈ ગોહિલ અને તેની પત્ની હેતલબેન સામે પોલીસની ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધ્યો છે. જે ગુનામાં ધર્મેશ ની અટકાયત કરી લીધી છે.

જયારે રાત્રિનો સમય હોવાથી તેની પત્નીની અટકાયત કરવાની બાકી રાખી હતી.

આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખાખીનગર વિસ્તારમાં મોડીરાત્રે બબાલ થઈ હતી, અને આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા. સમગ્ર મામલે સીટીસી ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.