જામનગર પંથકમાં અકસ્માતના બહાને પૈસા પડાવતી ચોક્કસ ગેંગ સક્રિય બની હોવાની સ્થાનિકોની રજૂઆત
-
નવા નાગના સહિત આસપાસના વિસ્તારના અસંખ્ય લોકોએ આવા તત્વોથી રક્ષણ આપવા એસ.પી.ને કરી રજૂઆત
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ ઓક્ટોબર ૨૪ જામનગર નજીક નવા નાગના ગામના સંખ્યાબંધ રહેવાસીઓ ઉપરાંત જામનગરના ગુલાબ નગર સહિતની આસપાસની સોસાયટી વિસ્તારના ૫૦૦ જેટલા લોકોનું ટોળું આજે જિલ્લા પોલીસવડા ની કચેરીએ રેલી સ્વરૂપે પહોંચ્યું હતું, અને હાઇવે રોડ પર વાહન અથડાવવાના બહાને નાણા પડાવતી ગેંગ સામે કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત કરી છે.
કારખાના સહિતના સ્થળોમાં મજૂરી કામ કરીને નવા નાગનાથ આસપાસના વિસ્તારના શ્રમિકો પોતાના વાહનમાં પરત ફરતા હોય છે ત્યારે આ ચોક્કસ ગેંગ તેઓ સાથે પોતાનું વહન અથડાવીને નુકસાની ના પૈસા પેટે મોટી રકમનું વળતર માંગે છે, અને સ્થળ ઉપર જે કંઈ રકમ હોય ખિસ્સા માંથી કઢાવી લે છે.
અન્યથા પાછળ પાછળ તેમના ઘર સુધી જઈને ધાક ધમકી આપી પૈસા પડાવે છે. માત્ર નવા નાગના ગામમાં તાજેતરમાં સાત બનાવ બન્યા છે. ઉપરાંત અન્ય સોસાયટી વિસ્તારમાં પણ અનેક બનાવો બન્યા છે, અને બે-ત્રણ હજારથી લઈને ૩૫,૦૦૦ સુધીની રકમ પડાવી લેવાના કિસ્સા બન્યા છે.જે ચોક્કસ ગેંગ સામે કાર્યવાહી કરવા બાબતે જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત કરાઈ છે .