રાજયના પ્રાથમિક શિક્ષકોની જીત: નહીં કરવું પડે 8 કલાક કામ, સરકારે યૂ-ટર્ન લઇ પરિપત્ર રદ કર્યો!
દેશ દેવી ન્યુઝ નેટવર્ક અમદાવાદ : રાજ્યમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણને લઈ શિક્ષકોના વિરોધનો મુદ્દો હજુ શાંત થયો નથી ત્યાં હવે 6ની જગ્યાએ 8 કલાકનો મુદ્દો વિવાદનું કેન્દ્ર બન્યો છે.
ફરી એકવાર શિક્ષકો આંદોલનના માર્ગે હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. અને હવે શિક્ષકોના આ વિરોધમાં પાટણના ધારાસભ્યએ પણ જંપલાવ્યું છે. અને ધારાસભ્ય કિરીટ પટેલએ શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાને પત્ર લખી શિક્ષકો નો સમયમાં ઘટાડો કરવા માંગ કરી છે નહિ તો શિક્ષકો સાથે રહી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
પાટણના ધારાસભ્યએ પત્રમાં લખ્યું વર્ષોથી શિક્ષકો માટે વર્ષોથી નિર્ધારિત કરેલો સમય એકાએક વધારી દેવાનું કારણ મને સમજાતું નથી.
રાજ્યના અન્ય સરકારી ઓફીસના કર્મચારીઓનો સમય 11.00થી 5.00 હોય ત્યારે શિક્ષકોનો સમય 9.30થી 5.30 અને સવારની સ્કૂલના શિક્ષકોનો સમય 7.30થી 3.30 કરેલ છે. જોકે, સરકારે આ મામલે યૂ-ટર્ન લીધો છે. શિક્ષણમંત્રીએ આ મામલે જણાવ્યું છે કે શિક્ષકોએ હવે 6 કલાક જ કામ કરવાનું રહેશે. અગાઉ આ મામલે પાટણના ધારાસભ્ય મેદાને આવ્યા હતા.
ધારાસભ્યે શિક્ષણ મંત્રીને સવાલ પૂછ્યા છે કે જે શાળાઓમાં બે પાળી ચાલતી હોય તે શાળામાં શિક્ષણ કાર્ય કઈ રીતે થશે તે પણ એક વિચારવા જેવો પ્રશ્ર્ન છે, ઉપરોક્ત બાબત ગંભીરતાથી લઈ અને શિક્ષકોનો સમય પુન: અગાઉ હતો એ પ્રમાણે કરવા વિનંતી છે. જો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છુટકે શિક્ષકોને સાથે રાખીને આંદોલન કરવાની ફરજ પડશે.