રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ કાર્યક્રમ થકી જામનગરના શિવને મળ્યું નવજીવન
- નાઘેડી ગામે રહેતા બાળકના હ્રદયમાં કાણું હોય અદ્યતન સારવાર થકી વિનામૂલ્યે ઓપરેશન થતાં પરિવારે ડોકટરો અને સરકારનો આભાર વ્યક્ત કર્યો
- હાલ શિવ નામનુ બાળક નોર્મલ જીવન જીવી રહ્યું છે.
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૬ જૂન ૨૩ જિલ્લાના લાખાબાવળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા નાઘેડી ગામમાં રહેતા બાળકને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી નવજીવન મળ્યું છે. બાળકના હ્રદયમાં કાણું હોવાથી આ કાર્યક્રમ થકી તેનું ઓપરેશન અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવ્યા છે.
નાઘેડી ગામે મજુરી કામ કરીને જીવન ગુજારતા સુનીલભાઈ રામકબીરના ઘરે તા. ૦૨-૦૩-૨૦૨૨ના રોજ શિવનો જન્મ થયો હતો. રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ દ્વારા રૂટિંગ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું તે સમયે જાણવા મળ્યું કે શિવને માતાનું ધાવણ લેવામાં તકલીફ થતી હતી તેમજ ધાવણ લેવા સમયે પરસેવો થતો હતો. તેથી ડોકટરો દ્વારા માતા પિતાને GGH હોસ્પિટલ-જામનગર ખાતે જવા માટે સમજાવામાં આવ્યું પરંતુ માતા પિતા ગબરાયેલ હતા. તેથી રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમના ડો.મહેશ ભીમાણી, ડો.દિવ્યા ભંડેરી અને નિશા કાલરીયાએ તેમણે સમજાવી સંદર્ભ કાર્ડ ભરી જીજી હોસ્પિટલ ખાતે મોકલ્યા હતા.
જીજી હોસ્પિટલમાં શિવ ની પ્રાથમિક તપાસ બાદ લોહીનું પરીક્ષણ, ECO તથા ECGમાં જાણવા મળ્યું કે તેને (CHD Congenital Heart Disease) એટલે કે હૃદયમાં કાણું છે. આ બાળકને ૩ દિવસ પ્રાથમિક સારવાર હેઠળ રાખી વધુ સઘન સારવાર માટે યુ.એન. મહેતા હોસ્પિટલ-અમદાવાદ ખાતે મોકલવામાં આવતા નિષ્ણાતો દ્વારા ખૂબ જ કૂનેહથી ૦૮-૦૭-૨૦૨૨ ના રોજ શસ્ત્રક્રિયા અને જરૂરી સારવાર કરી ક્ષતિને દૂર કરી બાળકને 10 દિવસ દાખલ રાખી હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી. આ બાળક હાલ નોર્મલ જીવન જીવી રહ્યું છે. આરોગ્ય તંત્ર દ્વારા શિવની સમગ્ર સારવાર અને હૃદયના કાણાનું ઓપરેશન તદ્દન વિનામૂલ્ય કરવામાં આવતા બાળકના પરિવાર દ્વારા સરકાર અને ડૉક્ટરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.