જામનગર-જૂનાગઢ ,પોરબંદર – જામખંભાળીયા અને રાજકોટ- પોરબંદર ને જોડતા સાકાર પામનારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ માં આઠ મોટા પુલ અને દસ બાયપાસ બનશે
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૮ એપ્રિલ ૨૫, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માં પોરબંદર સાથે કનેક્ટેડ નેશનલ હાઇવે નો પ્રોજેક્ટ રૂપીયા ૧૨૭૧.૦૨ કરોડ ના ખર્ચે બનશે,જે અંગે કેન્દ્ર સરકાર ના માર્ગ પરીવહન મંત્રી નિતિન ગડકરી એ ટ્વીટર ના માધ્યમ થી વિગતો આપી હતી, જેમાં તેઓએ જામનગર ના સંસદસભ્ય પૂનમબેન માડમ ને ટેગ કર્યા હતા.કેન્દ્રીય માર્ગ પરીવહન મંત્રી નિતિન ગડકરી એ ટ્વીટર માં આપેલી વિગતો મુજબ ગુજરાત ના પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ હાઈવે-૧૫૧ કે ના સમગ્ર ૧૧૯.૫૦ કિમી પોરબંદર- ભાણવડ- જામજોધપુર-કાલાવડ સેક્શનને રૂ. ૧૨૭૧.૦૨ કરોડ ના ખર્ચે પેવ્ડ શોલ્ડર સાથે ૨-લેન માં અપગ્રેડ કરવા ની મંજૂરી આપવામાં આવી છે.
આ રોડ નો પ્રોજેક્ટ પોરબંદર નજીક નેશનલ હાઈવે-૫૧ સાથે તેના જંકશન થી શરૂ થાય છે .અને ભાણવડ, જામ જોધપુરને જોડે છે અને કાલાવડ નજીક નેશનલ હાઈવે-૯૨૭ ડી સાથે તેના જંકશન પર સમાપ્ત થાય છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૧૫૧ કે , ત્રણ મહત્વ ના ધોરીમાર્ગો એટલે કે પોરબંદર-ખંભાળિયા (એન એચ -૯૨૭ કે ), જૂનાગઢ-જામનગર (એન એચ ૯૨૭ ડી) અને રાજકોટ-પોરબંદર (એન.એચ -૨૭) વચ્ચે કનેક્ટર તરીકે કામ કરે છે.
આ નેશનલ હાઇવેમાં ગ્રેડ-સેપરેટેડ સ્ટ્રક્ચર્સ, ૮ મોટા પુલ અને ૧૦ બાયપાસ સાથે નું અપગ્રેડેશન ગુજરાત ના સૌરાષ્ટ્ર વિસ્તાર ને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે તેમ પણ શ્રી ગડકરી એ ઉમેર્યું હતુ.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાઓને આ રીતે કેન્દ્ર સરકાર ની રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજના અંતર્ગત નેશનલ હાઇવે મળનારા હોઇ, ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય માર્ગ પરીવહન મંત્રી નિતિન ગડકરી નો આભાર વ્યક્ત કર્યો છે. હાલાર-પોરબંદર-રાજકોટ – જુનાગઢ ને જોડતા નેશનલ હાઇવે થી યાતાયાતને ઘણો ફાયદો થશે અને જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ના લગત જિલ્લા ને જોડતા પરીવહન વધુ સુગમ બનશે એમ પણ સંસદસભ્ય પૂનમબેન માડમ એ ઉમેર્યું છે.