જામ્યુકો દ્વારા કન્ટેનર મારફતે RRR સેન્ટર ઊભું કરાયું

0
1493

જામનગર મહાનગરપાલિકા દ્વારા જોગર્સપાર્ક વિસ્તારમાં કન્ટેનર મારફતે આર આર આર સેન્ટર ઊભું કરાયું

  • નગરજનોએ પોતાની બિનઉપયોગી વસ્તુઓ મુકી જવા અને જરુરીયાતમંદોને લઈ જવા અપીલ કરાઈ

  • રિડયુઝ- રીયુઝ અને રિસાયકલ (આર.આર.આર.) ના સૂત્રને સાર્થક કરવા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા અનોખી પહેલ કરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ નવેમ્બર ૨૪ જામનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરના પેલેસ રોડ ઉપર જોગર્સ પાર્કના પોશ એરીયા પાસેના જાહેર માર્ગ ઉપર એક કન્ટેનર કેબીન સાથેનું આરઆર સેન્ટર ઊભું કરાયું છે. જેમાં લોકો પોતાના માટે બીનજરુરી પણ અન્યને કામ આવે તેવી વસ્તુઓ મુકવા લાગ્યા છે, અને જરુરીયાતમંદ લોકો પોતાને લગતા વસ્ત્રો સહિતની વસ્તુઓ મેળવવા લાગ્યા છે.

આગામી દિવસોમાં આ પ્રયોગ સફળ થશે અને અન્ય વિસ્તારોમાં પણ આવી રીતે જ લોકો પોતાની વસ્તુઓ મૂકવા લાગશે અને જરૂરિયાતમંદ લોકો ત્યાંથી મેળવતા થશે તો સંખ્યાબંધ જરુરીયાતમંદ લોકોને લાભ થશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા રીડયુઝ, રી-યુઝ અને રીસાયકલના સુત્ર સાથે એટલે કે આર. આર. આર. ના સૂત્રને અનુસરીને દીવાળીના સમયથી પેલેસ રોડ પર એક કન્ટેનર મૂકીને આ સુવિધા શરુ કરી છે. આ સેન્ટર સવારે ૭ થી ૧૧ અને બપોરે ૩ થી સાંજે ૬ સુધી ખુલ્લું રહે છે.

આ સમય દરમિયાન લોકો જૂની વણજોઈતી પરંતુ બીજાને કામ આવે તેવી સ્થિતિના વસ્ત્રો, બુક, રમકડા સહિતની તમામ વસ્તુઓ મુકી જઈ શકે છે, અને જરુરીયાતમંદ લોકો પોતાની જરૂરિયાતની તમામ વસ્તુ વિના મુલ્યે કોઈને પણ પુછ્યા વગર લઈ શકે છે. આ વ્યવસ્થા મહાનગરપાલિકાના તંત્રએ કરી છે. આ વ્યવસ્થા ગોઠવાયા બાદ તંત્રના થોડા દિવસના પ્રયોગોમાં સારા પરિણામ સામે આવ્યા છે. આ સ્થળે સંખ્યાબંધ સેવાભાવીઓએ નવા જુના કપડા, ઉપરાંત વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ ને લગતા પુસ્તકો નોટબુક રમકડા સહિતની અન્ય ચીજ વસ્તુઓ મૂકવા લાગ્યા છે.

શહેરના અન્ય વિસ્તારોમાં પણ જો આ યોજનાને સારો પ્રતિસાદ મળશે તો તેવા વિસ્તારમાં પણ આ પ્રકારની સુવિધાઓ ઊભી કરવા એટલે કે આર આર આર સેન્ટર ઊભું કરવા માટે મહાનગરપાલિકા ના તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.