લાલપુરના ગોવાણા ગામમાં બોરવેલ માં પડી ગયેલા બાળકને બચાવી લેવાયા પછી ૨૦ દિવસની સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડ્યો
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૬ ફેબ્રુઆરી ૨૪ જામનગરની જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં ખુલ્લા બોરવેલમાં બે વર્ષનો શ્રમિક પરિવારનો બાળક પડી ગયા પછી વહીવટી તંત્રએ ભારે જહેમત લઇ બાળકને જીવિત બહાર કાઢી લીધા પછી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં વીસ દિવસ ની સધન સારવાર પછી આજે તેનું મૃત્યુ નીપજયું છે. જેથી શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
લાલપુરના ગોવાણા ગામમાં રણમલભાઈ કરંગીયા ની વાડીમાં રાજ નિલેશભાઈ વસાવા નામનો બાળક ખૂલ્લા બોર માં ગરકાવ થઈ જતાં ફાયર-પોલીસ સહિતની સમગ્ર ટીમની સતત ૯ કલાકની જહેમત બાદ બાળકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો હતો.૧૦૮ ની ટીમેં સૌપ્રથમ ઓક્સિજન આપી સ્થળ ઉપર જ પ્રાથમિક સારવાર કરી હતી, ત્યારબાદ તેને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી તેમજ બોરવેલ માં ફસાઈ જવાના કારણે ઓક્સિજન ઓછું મળવાથી તેની શ્વાસની ક્રિયા ધીમી પડી હતી.
આથી તેને જામનગરની જી.જી. હોસ્પિટલના બાળકોના વિભાગમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. જી.જી. હોસ્પિટલના ડો. મૌલિક શાહ, ડો. ભદ્રેશ વ્યાસ તથા તેની સમગ્ર ટીમ બાળકની સધન સારવાર કરી હતી. પરંતુ વીસ દિવસ ની સાધન સારવાર બાદ આજે બાળકે જી.જી. હોસ્પિટલના બીજાને દમ તોડી દીધો હતો, તેથી શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. લાલપુર પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.