જામનગરમાં મેઘરાજાના વિરામ બાદ આજે ફરી વરસાદી માહોલ

0
1397

જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલથી મેઘરાજાનો વિરામ: આજે ફરી વરસાદી વાતાવરણ

  • જામનગર શહેરને પાણી પૂરું પાડતા ત્રણેય ડેમમાં ચાલુ વરસાદી સીઝનમાં એક માસ ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ બન્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ જુલાઈ ૨૪, જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલથી મેઘરાજાએ વિરામ રાખ્યો છે, પરંતુ આજે ફરીથી વરસાદી માહોલ બંધાયેલો જોવા મળી રહ્યો છે. ઉપરાંત જામનગર શહેરને પાણી પૂરું પાડતા ત્રણેય જળાશયોમાં એકાદ માસ ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ બની ગયો હોવાથી હાલ જુલાઈ માસ સુધીનું પાણીનું સંકટ હળવું થયું છે.

જામનગર શહેર જિલ્લામાં સાર્વત્રિક મેઘસવારી બાદ ગઈકાલથી મેઘરાજાએ વિરામ લીધો છે, અને છેલ્લા બે દિવસમાં સમગ્ર જિલ્લામાં ક્યાંય વરસાદ નોંધાયો નથી, પરંતુ આજે સવારથી આકાશમાં વાદળો ના આટા ફેરા જોવા મળી રહ્યા છે, અને ફરીથી વરસાદ પડે તેવી શક્યતાઓ દર્શાવાઇ રહી છે.

જામનગર શહેરને પાણી પૂરું પાડતા ત્રણ જળાશયો જેમાં રણજીત સાગર, સસોઈ અને ઉંડ સહિત ત્રણેય ડેમમાં ચાલુ વરસાદી સિઝનમાં નવા પાણીની આવક થઇ છે. જેમાં રણજીત સાગર ડેમમાં ત્રણ ફૂટ નવું પાણી આવ્યું છે. સસોઈ ડેમમાં બે ફૂટ, જ્યારે ઊંડ ડેમ મા એક ફૂટ નવા પાણીની આવક થઈ છે, જેને કારણે જામનગર શહેર માટે એકાદ માસ સુધી પાણી વિતરણ માટેનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ બની ગયો હોવાથી જુલાઈ અંત સુધીનું પાણીનું સંકટ હળવું થયું છે. જો કે હજુ વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને ત્રણેય ડેમ ભરાઈ જશે, તો સમગ્ર વર્ષ માટે પાણીની સમસ્યા હલ થઈ જશે.

હાલ જામનગર શહેરમાં પ્રતિદિન ૧૪૦ થી ૧૪૫ એમએલડી પાણીનું વિતરણ થઈ રહ્યું છે, અને જામનગરના અલગ અલગ ૮ ઝોન પાડીને એકાંતરા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે પાણી ને ફિલ્ટર કરવા માટે શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા ત્રણ ફિલ્ટર પ્લાન્ટ મારફતે સુપર ક્લોરિનેશન કરીને પાણી વિતરણ કરાઇ રહ્યું છે. હાલ કોલેરાની પરિસ્થિતિ છે, જેને પહોંચી વળવા માટે સુપર કલોરીનેશન થઈ રહ્યું છે. તેમ વોટર વર્કર્સ શાખાના ઇજનેર અલ્પેશ ચારણીયા સાથેની વાતચીતમાં જણાવાયું છે.