ખંભાળિયા નજીક ખાનગી કંપનીના અધિકારી – કર્મચારીઓ ઉપર હિચકારો હુમલો: વાડીનારના આદિલ સહિત ૩ સામે ફરિયાદ

0
2331

ખંભાળિયા નજીક ખાનગી કંપનીના અધિકારી – કર્મચારીઓ ઉપર હિચકારો હુમલો..ખાનગી કંપનીના 3 અધિકારીઓ ઘાયલ 2 અધિકારીઓ ખંભાળીયા અને એક અધિકારીને જામનગર સારવાર અર્થે ખસેડાયા.

કોન્ટ્રાકટ મેળવવા બાબતે ધોકાવડે હુમલો, કારના કાંચ પણ તોડી નાંખ્યા: ત્રણ સામે ફરિયાદ

દેશ દેવી  ન્યુઝ જામનગર 28. મૂળ બિહાર રાજયના ચિરાયા તાલુકાના રહીશ અને પેટા કોન્ટ્રાકટ કંપનીના સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા સુનિલકુમાર સુખદેવ ઠાકુર (ઉ.વ.27) નામના કર્મચારીએ વાડીનારના રહીશ એવા આદિલ નામના શખ્સ ઉપરાંત અન્ય બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.  સુત્રો વિગત મુજબ ફરિયાદી સુનિલકુમાર ઠાકુર તથા તેમની સાથે ઇલેકિટ્રક એન્જિનિયર સંજયકર, વિકાસ તેમજ રવીન્દ્રનાથ ગોસ્વામી નામના અધિકારીઓ વેદાન્તા કંપની પાસેથી તેમની નોકરીનો સમય પૂરો કરી અને જી.જે. 1 આર.એસ. 7047 નંબરનાની ઇક્કો મોટરકારમાં ખંભાળિયા પરત જઈ રહ્યા હતા.

આ વાહન ગયેન્દ્રરાજ નામનો ચાલક ચલાવી રહ્યો હતો. તેઓને વેદાન્તા કંપનીના ગેટથી થોડે આગળ અટકાવી અને વાડીનારના આદિલ તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ દરવાજો ખોલી ને પૂછ્યું હતું કે ’વિકાસ સાહેબ કોણ છે?’- પરંતુ એકપણ કર્મચારી એ જવાબ ન આપતા ઉશ્કેરાયેલા શખ્સોએ કારનો પાછળનો દરવાજો ખોલી અને લાકડાના ધોકા વડે કાર સવાર કર્મચારીઓને માર મારવાનું શરૂ કરી દીધું હતું. ગાળો કાઢી અને કારના કાચ તોડી નાખ્યા હતા.આ હુમલાના કારણે કારમાં જઈ રહેલા અધિકારી રવીન્દ્રનાથ ગોસ્વામીને લોહીલુહાણ હાલતમાં અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમને પાંચ ટાંકા આવ્યા હતા અને બંને હાથમાં ફ્રેકચર ઉપરાંત વિકાસ નામના અન્ય એક કર્મચારીને પણ ડાબા હાથમાં ફેકચર સહિતની ઇજાઓ થતાં બંનેને વધુ સારવાર અર્થે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત ફરિયાદી સુનિલકુમાર ઠાકુર તથા સંજયકરને પણ નાની મોટી ઈજાઓ થતાં સારવાર આપવામાં આવી હતી.આરોપી શખ્સોએ જતાં-જતાં કહેલ કે- ’ફરીવાર કંપનીમાં જતાં નહીં. નહીંતર જીવતા નહીં રહો’- તેમ કહી, અને બે મોટરસાયકલમાં ધોકા સાથે નાસી છૂટયા હતા. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.