જામનગરના હંગામી બસ ડેપોમાં સમસ્યાઓની ભરમાર : મુસાફરો થાય છે પરેશાન
બેસવાની પૂર્તિ વ્યવસ્થા ન હોવાથી તડકામાં ઉભવાનો વારો આવે છે : પાણીની ટાંકીમાં પણ તિરાડ પડી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૮ માર્ચ ૨૫ , જામનગરના જુના એસટી ડેપો ના સ્થળે નવો બસ ડેપો બનાવવામાં આવી રહ્યો છે, અને તેનું ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે, ત્યારે હાલમાં હંગામી બસ ડેપો તરીકે જામનગરના પ્રદર્શન મેદાનમાં વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ ત્યાં હાલ પૂરતી વ્યવસ્થા ના હોવાના કારણે કાળઝાળ ગરમીમાં મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ઉપરાંત બસ ડેપોમાં અનેક પ્રકારની સમસ્યાઓના કારણે પણ મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.હંગામી બસ ડેપોમાં બેસવાની પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે મુસાફરોને તડકામાં ઊભા રહેવાનો વારો આવે છે, અને જે હંગામી બસ ડેપો કાર્યરત થયો છે. તેમાં બેસવાના સ્થળે પૂરતી બેઠક નથી જ્યારે પંખા સહિતની પૂરતી સુવિધા પણ નથી, જેથી ગરમીમાં મુસાફરોની પરેશાની વધી છે. અને પ્લેટફોર્મ ની આસપાસ અને આ વિસ્તારમાં જમીન પર લોકોને બેસવાનો વારો આવે છે, અથવા તો તડકામાં ઊભા રહેવું પડે છે. જેથી પણ અનેક મુસાફરોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કેટલીક બસ કે જે સમય મર્યાદામાં આવતી નથી, અને લોકોને વધુ સમય માટે બસની રાહ જોઈને ઉભા રહેવું પડે છે. તેમજ અમુક મુસાફરો ને હજુ નવા હંગામી બસ ડેપો ના સ્થળની જાણકારી ન હોવાથી જૂના બસ ડેપો ના સ્થળે પહોંચીને પછી પ્રદર્શન ગ્રાઉન્ડ સુધી ચાલવાનો વારો આવે છે, અથવા તો રિક્ષા ભાડા ખર્ચવાની પરિસ્થિતિ ઊભી થાય છે. ત્યારે રિક્ષાવાળાઓ પણ બેફામ ભાડા વસૂલતા જોવા મળે છે.એસટી બસ સ્ટેશનના હંગામી સ્થળ પર પ્રદર્શન મેદાનમાં એક પાણીનો ટાંકો બનાવાયો છે, જેને શરૂ થયાને હજુ પુરા ૧૦ દિવસ નથી થયા, ત્યાં જ તેમાં તિરાડ પડી ગયેલી જોવા મળે છે. અને નવા સ્થળે ટાંકો ઉભો કરવામાં પણ ભ્રષ્ટાચાર થયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે, તેમ જ પીવાના પાણી માટે ગ્લાસ અથવા તો અન્ય કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે પણ પાણી ઢોળાય છે, અને પાણીના રેલા છેક મેઇન રોડ સુધી પહોંચી જાય છે. જેથી મુસાફરોને પ્રવેશતાની સાથે ગારા કીચડનો પણ સામનો કરવો પડે છે.નવા હંગામી બસ ડેપોમાં સમસ્યાઓની ભરમાર હોવાથી એસટી તંત્ર દ્વારા વહેલી તકે મુસાફરોની સમસ્યાઓ હલ થાય, તે દિશામાં કાર્ય કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.