કોરોનાકાળમાં બેરોજગાર અને આર્થિક સંકડામણથી ત્રસ્ત યુવાને ગળેફાંસો જિંદગી ટુંકાવી
દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગરમાં રામેશ્વર નગર નજીક શિવમ એસ્ટેટ- બ્લોક નંબર 89 – એ માં રહેતા પારસ લાલજીભાઈ જેઠવા નામના 35 વર્ષના મોચી જ્ઞાતિ ના યુવાને ગઈકાલે મોડી સાંજે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે.
આ બનાવ અંગે મૃતકની પત્ની ધૈર્યસીમતાબેન પારસભાઈ જેઠવાએ પોલીસને જાણ કરતાં સીટી બી ડીવીઝન નો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જી. જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મરનાર પારસભાઈ જેઠવા કે જે અગાઉ ખાનગી ફાઇનાન્સ કંપની માંથી પર્સનલ લોન મેળવી હતી અને છોટા હાથી વસાવી ફિલ્ટર પાણી નો વ્યવસાય શરૂ કર્યો હતો.
પરંતુ કોરોના કાળમાં તે ધંધો બંધ થઈ જતાં આખરે છોટાહાથી ખોટ ખાઈને વેચી નાખવાનો વારો આવ્યો હતો. ઉપરાંત ત્યાર પછી તેની પત્ની ધૈર્યસીમતાબેન કે જેના નામથી પણ ખાનગી ફાઇનાન્સ કંપની માંથી લોન લીધી હતી. ઉપરાંત બહેનોની સહકારી મંડળી વગેરેમાંથી કુલ ચાર લોન લેવામાં આવી હતી, અને અઢી લાખની લોન લીધા પછી તેનો દર મહિને 12 હજાર રૂપિયા નો હપ્તો ભરવાનો થતો હતો.
પારસ ભાઈ પોતે એક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા હતા. જે કારખાનેદારે ગઈકાલે સાંજે અન્ય મજૂરો સાથે પારસને પણ છૂટા કરી દીધા હતા. જેથી પોતે ગઈકાલે બેકાર બન્યો હતો.
આ ઉપરાંત તેની પત્ની પણ જી.જી. હોસ્પિટલ માં સિક્યુરિટી વિભાગમાં નોકરી કરતી હતી. જેને પણ થોડા દિવસ પહેલા નોકરી માંથી છૂટી કરી દેવાઇ છે. જેથી પતિ-પત્ની બંને બેકાર બની ગયા હોવાથી લોનના હપ્તા કેવી રીતે ભરી શકાશે, તેના ટેન્શનમાં અને બેકારીના કારણે આપઘાત કરી લીધો હોવાનું જાહેર થયું છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.