છોટીકાશીના નામને ચરિતાર્થ કરતું અભૂતપૂર્વ ધર્મકાર્ય કરશે લાલ પરિવાર
- જામનગરના આંગણે બૃહસ્પતિ મહા સોમયજ્ઞ સાથે વિષ્ણુગોપાલ મહાયાગનું આયોજન
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૫ ડીસેમ્બર ૨૩ જામનગર શહેરના પ્રતિષ્ઠિત રઘુવંશી પરિવાર એચ.જે. લાલ (બાબુભાઇ લાલ) પરિવારના યજમાનપદે તા. ૨૫ જાન્યુઆરી થી તા. ૩૦ જાન્યુઆરી-૨૦૨૪ દરમીયાન મહાધર્મકાર્ય સફળ રીતે પાર પાડવા માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. અને તા. ૨૪ જાન્યુ.ના બપોર પછી ભવ્ય કળશ શોભાયાત્રા નીકળશે. દક્ષિણ ભારતના પ્રકાંડ પંડિતોના મુખે શ્રી વિરાટ વાજપેય બૃહસ્પતિ મહા સોમયાગ અને શ્રી વિષ્ણુગોપાલ મહાયાગ: ઇન્દોરના સોમયજ્ઞ સમ્રાટ પૂ. ડો. શ્રી ગોકુલોત્સવજી મહારાજના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજનને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જામનગર પંથકમાં અનેકવિધ સેવાપ્રવૃતિઓ કરતા પ્રતિષ્ઠિત રઘુવંશી ઉદ્યોગપતિ લાલ પરિવારના યજમાનપદે “છોટીકાશીનું નામ ચરિતાર્થ કરે તેવું અભૂતપૂર્વ ધર્મકાર્ય કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.હિન્દુ ધર્મશાસ્ત્રોમાં જેનું અત્યંત મહોત્સવ વર્ણવાયેલું છે, તેવો વિરાટ વાજપેય બૃહસ્પતી મહાસોમયજ્ઞ સાથે વિષ્ણુગોપાલ મહાયાગ કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. લાલ પરિવારના મોભી માતુશ્રી ગં.સ્વ. મંજુલાબેન હરિદાસ લાલની પ્રેરણાથી શ્રી અશોકભાઇ લાલ અને શ્રી જીતુભાઇ લાલની આગેવાની હેઠળ જામનગરના આંગણે આ પ્રકારનો પ્રથમ સોમયજ્ઞ અને વિષ્ણુગોપાલ યજ્ઞ તા. ૨૫ થી તા. ૩૦ જાન્યુઆરી ૨૦૨૪ના દિવસોમાં સંપન્ન થશે. ઇન્દોરના પદ્મશ્રી પદ્મભૂષણ સોમયજ્ઞ સમ્રાટ પ.પૂ. ગો. ડો. ગોકુલોત્સવજીની તથા સોમયજ્ઞ સમ્રાટ પૂ.પા. ગો. ડો. શ્રી વ્રજોત્સવજી મહોદય અને પૂ. પા.ગો. ચિ. શ્રી ઉમંગરાયજી બાવાશ્રીની નિશ્રામાં આ સોમ બૃહસ્પસ્તિ મહાયાગ મહોત્સવ સાથે વિષ્ણુગોપાલ મહાયાગમાં દક્ષિણ ભારતના પ્રકાંડ પંડીતો દ્વારા યજ્ઞવિધિ કરાવવામાં આવશે. આ મહાયજ્ઞ પરિવાર- કુટુંબ- શહેર- દેશ અને વિશ્ર્વની શાંતિ-સમૃદ્ધિ અર્થે આયોજીત કરવામાં આવ્યો છે.આ માટે જામનગર શહેર- હાલાર- સૌરાષ્ટ્ર- ગુજરાત ઉપરાંત દેશ-વિદેશના યુગલો યજ્ઞમાં આહુતિ આપવાનો લાભ લે એ પ્રકારનું વિશાળ કાર્ય થાય તે દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જામનગર શહેરની ભાગોળે ખંભાળિયા બાયપાસ રોડ પર જુની આર.ટી.ઓ. ચેક પોસ્ટ નજીક હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઇ લાલ) પરિવારની આવેલી- વાડીની અતિવિશાળ જગ્યા પર આ મહાયજ્ઞ માટે યજ્ઞ શાળાનું નિર્માણ કરવામાં આવશે. જયાં છ દિવસ સુધી મહાયાગની સંપૂર્ણ શાસ્ત્રોકતવિધિ થશે.
આ મહાયજ્ઞના પ્રારંભ પૂર્વે તા. ૨૪ જાન્યુઆરી-૨૦૨૪ ના રોજ બપોરે ૩.૩૦ કલાકે ભવ્ય કળશ શોભાયાત્રા શ્રી અશોકભાઇ લાલના નિવાસ સ્થાન (“વાત્સલ્ય સ્વસ્તિક સોસાયટી- જામનગર) ખાતેથી પ્રસ્થાન થશે. જે સરૂ સેકશન રોડ, ખોડિયાર કોલોની, દિગ્જામ સર્કલ, સમર્પણ ચોકડી થઇ યજ્ઞ સ્થળે સંપન્ન થશે.
જામનગર-શહેર “છોટીકાશી થી પણ ઓળખાય છે. આ ધાર્મિક નામને સાર્થક કરે તેવું આ પ્રકારનું આ ધર્મકાર્ય સફળ રીતે સંપન્ન થાય તે માટે શ્રી એચ.જે. લાલ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જિતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના અશોકભાઇ લાલ, જીતુભાઇ લાલ, મિતેષભાઇ લાલ, ક્રિશ્ર્નરાજ લાલ, વિરાજ લાલ વગેરેની સાથે કુટુંબીજનો તેમજ વિશાળ મિત્રવર્તુળ અને શુભેચ્છકો, કાર્યકરો દ્વારા આયોજન માટેની તૈયારીઓ પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે.