કાલાવડમાં તસ્કરોનો તરખાટ : એક જ રાતમાં જુદી જુદી ત્રણ સોસાયટીમાં આવેલા પાંચ મકાનો ને નિશાન બનાવ્યા
-
બે મકાનમાંથી ૨.૮૫ લાખની માલ મતા ઉઠાવી ગયાની પોલીસ ફરિયાદ : ત્રણ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯, સપ્ટેમ્બર ૨૪ જામનગર જિલ્લાના કાલાવડમાં જુદી જુદી ૩ સોસાયટી વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા હતા, અને એકી સાથે પાંચ રહેણાંક મકાનોની નિશાન બનાવી લીધા હતા. જેમાં બે મકાનમાંથી રૂપિયા ૨.૮૫.૦૦૦ ની માલ માતાની ચોરી થઈ ગઈ છે. જયારે અન્ય ત્રણ મકાનમાલિક બહારગામ હોવાથી ચોરીનો અંદાજ જાણી શકાયો નથી. પોલીસે સીસીટીવી કેમેરાઓ ચેક કરતાં ત્રણ તસ્કરો કેદ થયા છે. જેની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર જિલ્લાના કાલાવડમાં તસ્કરોએ અતિક્રમણ કર્યું હતું, અને શ્યામ વાટિકા સોસાયટી અવધ રેસિડેન્સી અને હેલિપેડ સોસાયટીમાં એકી સાથે પાંચ મકાનોને નિશાન બનાવી લીધા હતા.સૌપ્રથમ કાલાવડમાં શ્યામ વાટિકા સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ મનસુખભાઈ ભંડેરીના મકાનને નિશાન બનાવી લીધું હતું, અને તે મકાનમાંથી રૂપિયા ૨,૧૦,૦૦૦ ની રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સાહિત્ય ૨,૬૦,૦૦૦ ની માલમતા ઉઠાવી ગયા હતા.
આ ઉપરાંત તેના પડોશ માં રહેતા કપિલભાઈ ધરમદાસભાઈ પૂર્ણવૈરાગી ના મકાનમાં પણ તસ્કરોએ ખાતર પાડ્યું હતું, અને ૨૫,૦૦૦ ની રોકડ રકમ ઉઠાવી ગયા હતા. ત્યારબાદ અન્ય બે સોસાયટીઓ શ્યામ વાટીકા અને હેલિપેડ સોસાયટીમાં પણ ખાતર પાડ્યું હતું, અને આનંદભાઈ રમેશભાઈ સખીયા, રાજેશભાઈ બધેલ તથા અલ્પેશભાઈ બગડાના બંધ રહેણાંક મકાનને પણ નિશાન બનાવ્યા હતા. જો કે તેઓ બહારગામ ગયા હોવાથી તેમાંથી કેટલી રકમ ની ચોરી થઈ છે, તે જાણી શકાયું નથી.
આ બનાવની જાણ થવાથી કાલાવડ ટાઉન ના પોલીસ ઇન્સ્પેક્ટર એન વી આંબલીયા તેમજ સ્ટાફના મયુરસિંહ જાડેજા વગેરે વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાઓ વગેરે ચકાસ્યા હતા. જેમાં ત્રણ બુકાનની ધારીઓ ચોરીના ઇરાદે આવ્યા હોવાનું નજરે પડ્યું હતું, તેથી પોલીસે તેના ફૂટેજ ના આધારે તસ્કરોને પકડવા માટેની દોડધામ શરૂ કરી છે.