જામનગરમાં ક્રિકેટના સટ્ટામાં વધુ બે પકડાયા
જનતા ફાટક વિસ્તારમાં પાનની દુકાન પર પોલીસ ત્રાટકી: પૂછપરછમાં ત્રણ શખ્સોના નામ ખૂલ્યા
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૭ એપ્રિલ ૨૩ : જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે પ્રથમ દરોડો જનતા ફાટક પાસે આવેલી એક પાનની દુકાનેથી જાહેરમાં મોબાઈલ ફોન મારફતે આઈ.પી.એલ. ની ક્રિકેટ મેચ પર આઈ.ડી. ના લાઇવ સ્કોર પર ક્રિકેટના રનફેરનો જુગાર રમી રહેલો ભાવીક ઉર્ફે મુન્નો જયસુખલાલ દોઢિયા નામનો વેપારી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો, જેની પાસેથી રૂપિયા 10,310 ની રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત રૂપિયા 40,000 ની માલમતા કબજે કરી છે.
પોલીસ પૂછપરછ દરમિયાન પોતે જામનગરના જ અન્ય બે બુકીઓ રીંકીત શાહ અને ભદ્રેશ નાગડા પાસે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાથી તે બંનેને ફરારી જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.
આ ઉપરાંત ક્રિકેટના સટ્ટા અંગેનો બીજો દરોડો આર્ય સમાજ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જયાંથી જાહેરમાં મોબાઇલની એપ્લિકેશન મારફતે આઈ.પી.એલ. ની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમી રહેલા હિતેશ નટવરલાલ બારમેડા નામના વેપારીને પોલીસે ઝડપી લીધો છે, અને તેની પાસેથી રૂપિયા 2,250 ની રોકડ રકમને મોબાઇલ ફોન રૂપિયા 7,510 ની માલમતા કબજે કરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન પોતે જામનગરના મોદીનોવાડો વિસ્તારમાં રહેતા હર્ષદ ઉર્ફે લિંગો મુંજાલ નામના શખ્સ પાસેથી ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.