જામનગરમાં મારામારીમાં ઘાયલ થયેલ મુસ્લિમ યુવાનનું સારવારમાં મોત: મામલો હત્યામાં પલટાયો

0
1369

જામનગરમાં મારામારીમાં ઘાયલ થયેલ મુસ્લિમ યુવાનનું સારવારમાં મોત, મામલો હત્યામાં પલટાયો

નાગનાથ ગેઇટ નજીક બે દિવસ પહેલા સાત જેટલા શખ્સોએ ધારદાર હથિયાર વડે કરેલ હિચકારા હુમલા બાદ યુવાને હોસ્પિટલના બીછાને દમ તોડ્યો

પોલીસે બનાવમાં કલમ 302 નો ઉમેરો કરીને છ શખ્સોને રાઉન્ડઅપ કર્યા, એક ફરાર

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : જામનગરમાં નાગનાથ ગેટ વિસ્તારમાં બે દિવસ પહેલા સાજીદ મહંમદહુસેન મકવાણા નામના 27 વર્ષના યુવાન પર સાત જેટલા શખ્સોએ ધારદાર હથિયાર વડે હિચકારો હુમલો કરી દીધો હતો. જેથી સાજીદ લોહીલુહાણ થઇ ને ત્યાંજ ઢળી પડ્યો હતો.
આ બનાવની જાણ થતાં ઇજાગ્રસ્ત ના પરિવાર તથા આડોશી પાડોશી વગેરેએ સાજીદ ને એક રિક્ષામાં બેસાડીને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેની તાકીદે સારવાર ચાલુ કરી દેવામાં આવી હતી.

હૂમલાના આ બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવાનના ભાઈએ સાત શખ્સો સામે પોતાના ભાઈ ઉપર ધારદાર હથિયારો વડે હુમલો કરી ખૂનની કોશિશ કરવા અંગેની ફરિયાદ નોંધાવતાં સીટી બી ડીવીઝન ની પોલીસ ટુકડી ઘટનાસ્થળે દોડી ગઇ છે, અને હુમલાખોરો ભાગી છૂટયા હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી હતી.

દરમિયાન ગઇકાલે સાંજે જામનગરની જી.જી.હોસ્પિટલમાં બિછાને સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત સાજીદનું મૃત્યુ નીપજયું હતું. જેથી આ બનાવ હત્યામાં પલટાયો હતો, અને સીટી બી ડિવિઝન પોલીસે આ પ્રકરણમાં કલમ 302 નો ઉમેરો કર્યો છે.

જામનગરના વાઘેર વાડા વિસ્તારમાં મોટા આશાપુરાના મંદિર પાસે રહેતા સાજીદ મકવાણા નામના યુવાન પર જૂની અદાવતના કારણે થયેલા હુમલાના બનાવ અંગે તેના ભાઈ અસગર મકવાણા એ જામનગરના સાત શખ્સો મહંમદ મુસાભાઇ, અમીન મુસાભાઈ, લાલો મનસુખભાઈ, કિશન મનસુખભાઈ, વિજય ખેંગાર ચાવડા ઉર્ફે ભૂરો, રોહિત, અને ઈકબાલ સિદ્દીક દલ વગેરે સામે તલવાર, લોખંડના પાઈપ, ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી ખૂનની કોશિશ કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી, જેમાં કલમ 302 નો ઉમેરો કરીને છ શખ્સોને રાઉન્ડઅપ કરી લીધા છે,

જયારે અન્ય એક શખ્સની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. જૂની અદાવતના કારણે આ હુમલો કર્યાનું પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે.