જામનગરના મોરકંડા ધાર વિસ્તારમાં રહેતા રબારી પરિવાર માટે ગઈકાલે હોળી લોહીયાળ સાબિત થઈ
-
વાળ ના પ્રસંગમાં જમવા જેવી સામાન્ય બાબતની તકરારમાં ૬ પાડોશી શખ્સોએ ત્રણ ભાઈઓ ઉપર જીવલેણ હુમલો કર્યો
-
નાનાભાઈ નું મૃત્યુ નિપજતાં બનાવ હત્યામાં પલટાયો : અન્ય બે ભાઈને ઇજા ; છ શખ્સો સામે હત્યાનો અપરાધ નોંધાયો
-
(૧) મુકેશભાઇ ભુરાભાઇ હુણ (૨) દેવાભાઇ ભુરાભાઇ હુણ (૩) ભરતભાઇ ભુરાભાઇ હુણ (૪) ભુરાભાઇ લખમણભાઇ હુણ રહે-મોરકંડા ધાર,યુનો પેટ્રોલપંપની પાછળ જામનગર (૫) વેજાભાઇ કાનાભાઇ હુણ (૬) દેવરાજભાઇ નાથાભાઇ હુણ રહે બન્ને જામનગર
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ માર્ચ ૨૫ જામનગર નજીક મોરકંડા ધાર વિસ્તારમાં હોળીની રાત્રે રબારી પરિવારમાં ખૂની ખેલ ખેલાયો હતો, અને વાળ ના પ્રસંગમાં જમવા જવા જેવી સામાન્ય બાબતમાં ત્રણ રબારી ભાઈઓ ઉપર છ પાડોશી શખ્સોએ ધોકા લાકડી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો, જેમાં એક ભાઈનું મૃત્યુ નીપજતાં બનાવ હત્યા માં પલટાયો છે, જ્યારે અન્ય બે ભાઈઓ ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે. પોલીસે ૬ આરોપીઓ સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
આ ચકચાર જનક બનાવની વિગત એવી છે કે જામનગર નજીક મોરકંડા ધાર વિસ્તારમાં રહેતા રબારી પરિવારના ત્રણ ભાઈઓ અરજણભાઈ સુધાભાઈ હુણ રબારી (ઉંમર વર્ષ ૩૦), ઉપરાંત તેના નાના ભાઈ મુન્નાભાઈ હુણ (૨૨ વર્ષ) અને મોટાભાઈ દેવરાજભાઈ હુણ કે જે ત્રણેય ભાઈઓ મોડી રાત્રે પોતાના ઘેર હતા જે દરમિયાન સામેના ભાગમાં રહેતા પોતાના જ્ઞાતિના મુકેશભાઈ ભુરાભાઈ હુણ ઉપરાંત દેવાભાઈ ભુરાભાઈ, ભરત ભુરાભાઈ, ભુરાભાઈ લખમણભાઇ તેમજ વેજાભાઈ કાનાભાઈ અને દેવરાજભાઈ નાથાભાઈ હુંણ વગેરે લાકડાના ધોકા લાકડી વગેરે હથિયારો સાથે ધસી આવ્યા હતા અને સૌ પ્રથમ મુન્નાભાઈ (ઉ.વ. ૨૬) ના માથામાં લાકડાના ધોકા- લાકડી વડે આડેધડ માર મારી હુમલો કરી દેતાં તે ત્યાં જ બેશુદ્ધ થઈને ઢળી પડ્યો હતો.
જે દરમિયાન અરજણભાઈ તથા તેના મોટાભાઈ દેવરાજભાઈ હુંણ વગેરે છોડાવવા માટે વચ્ચે પડતાં તે બંને ઉપર પણ હુમલો કર્યો હતો. આ બનાવને લઈને ભારે દેકારો બોલી ગયો હતો, અને આસપાસના લોકો એકત્ર થઈ જતાં તમામ હુમલાખોરો ભાગી છૂટ્યા હતા.
જે બનાવ બાદ ૧૦૮ ની ટિમ ને બોલાવીને ત્રણેય ઇજાગ્રસ્ત ભાઈઓને સારવાર માટે મોડી રાત્રે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સૌથી નાના ભાઈ મુન્નાભાઈ હુંણ કે જેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાના કારણે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું, જેથી આ બનાવ હત્યામાં પલટયો હતો.
તે ઉપરાંત તેના બંને ભાઈઓ ઈજાગ્રસ્ત બન્યા હોવાથી હાલ જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. આ હુમલા અને હત્યાના બનાવ અંગે અરજણભાઈ સુધાભાઈ હુંણ એ પોતાના ભાઈની હત્યા નીપજાવવા અંગે તેમજ પોતાને અને પોતાના મોટાભાઈ ને માર મારવા અંગે પાડોશમાં રહેતા મુકેશભાઈ હુણ વગેરે ૬ આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ગુરૂવારે હોળીના તહેવારના રાતે પોતાની શેરીમાં રહેતા આરોપી મુકેશભાઈ હુણ ના ઘેર નાના બાળક નો વાળ નો પ્રસંગ હતો, તેમ જ શેરીમાં જ રહેતા રમેશભાઈ રબારી ના ઘેર પણ વાળનો પ્રસંગ હતો. જેથી પરિવારના સભ્યો રમેશભાઈના ઘરે જમવા માટે ગયા હતા. પરંતુ મુકેશભાઈના ઘેર જમવા ગયા ન હોવાથી એ વાતનું મનદુઃખ રાખીને આ હુમલો અને હત્યા કરાઈ હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે પંચ. બી. ડીવી. પો.સ્ટે. ના પાર્ટ એ ૧૧૨૦૨૦૪૬૨૫૦૨૭૮/૨૦૨૫ બી.એન.એસ. એક્ટ ૨૦૨૩ની કલમ ૧૮૯ (૨) ,૧૮૯ (૪), ૧૯૧ (૨), ૧૯૧ (૩), ૧૯૦,૧૧૫ (૨),૧૦૯ (૧),૧૦૩ (૧) તથા જી.પી.એક્ટ કલમ.૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી પોલીસ વધુ તપાસ ચલાવે છે.