કેન્દ્રમાં મોદી સરકારના નવ વર્ષના શાસનની ઉપલબ્ધિ વર્ણવતા સાંસદ પૂનમબેન માડમ

0
1287

કેન્દ્રમાં મોદી સરકારના નવ વર્ષના શાસનની ઉપલબ્ધિ વર્ણવતા સાંસદ પૂનમબેન માડમ

  • ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર પુલનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઉદઘાટન થાય તેવા પ્રયાસો : સાંસદ
  • તા. ૩૦/પ થી તા. ૩૦/૬ સુધી એક મહિના માટે તેઓ ‘સાંસદ જનસંપર્ક અભિયાન’ કરશે
  • હાલારના બન્ને જિલ્લામાં આ નવ વર્ષના સમયગાળામાં થયેલા સિમાચિન્હરૃપ વિકાસકામો તેમજ વિવિધ સુવિધાઓ અંગે વિસ્તૃત જાણકારી હાલારના સાંસદ પૂનમબેન માડમે સેવન સીઝન્સ રીસોર્ટમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ર જૂન ૨૩ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના સંકલ્પ સાથે સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારત દેશના તમામ ક્ષેત્રોમાં વિકાસ, ઉપલબ્ધિઓ તેમજ ખાસ કરીને હાલારના બન્ને જિલ્લામાં આ નવ વર્ષના સમયગાળામાં થયેલા સિમાચિન્હરૃપ વિકાસકામો તેમજ વિવિધ સુવિધાઓ અંગે વિસ્તૃત જાણકારી હાલારના સાંસદ પૂનમબેન માડમે સેવન સીઝન્સ રીસોર્ટમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરી હતી.આ પ્રેસ કોન્ફરન્સમાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સમગ્ર વિશ્વના વિકસીત રાષ્ટ્રો સહિતના દેશોમાં એક સન્માનિય નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે. સમગ્ર વિશ્વમાં તેમના કાર્યોની અને ભારતના વિકાસની પ્રશંસા થઈ રહી છે.દેશમાં કેન્દ્ર સરકારના મહત્ત્વપૂર્ણ અનેક પ્રોજેક્ટો હાથ ધરાયા અને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દેશના છેવાડાના દરેક વર્ગના, દરેક ક્ષેત્રના લોકોને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ મળી રહ્યો છે.હાલારના જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ નવ વર્ષમાં કેન્દ્ર સરકારના વિકાસકામો અને સુવિધાઓ અંગે સાંસદ પૂનમબેને જણાવ્યું હતું કે, રેલવે સુવિધાઓમાં અનેકગણો આ નવ વર્ષમાં થયો છે.રાજકોટથી ઓખા સુધી અને પોરબંદરથી કાનાલૂસ સુધી ઈલેક્ટ્રીફિકેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે. રાજકોટથી કાનાલૂસ સુધી ડબલ ટ્રેકનું કામ શરૃ થશે. આગામી દિવસોમાં ડબલ ટ્રેક અને ઈલેક્ટ્રીફિકેશનના કારણે હાલારના બન્ને જિલ્લાને વધુને વધુ લાંબા અંતરની ઝડપી નવી ટ્રેઈનો મળશે અને તેમાંય વંદે ભારત જેવી ગૌરવસમાન ટ્રેઈનની સુવિધા પણ વ્હેલીતકે મળે તેવા મારા પ્રયાસો છે. રેલવે સ્ટેશનોના આધુનિકરણ થઈ રહ્યા છે અને સ્ટેશનો પર યાત્રિકોમાટે એક્સલેટર, લીફ્ટ, ફૂટ ઓવરબ્રીજ, શેડ વાળા વધુ વિશાળ પ્લેટફોર્મની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશભરના મરીન કમાન્ડો માટેના નેશનલ એકેડેમી ફોર કોસ્ટલ પોલીસીંગ સેન્ટર મોજપમાં નિર્માણાધિન છે. જ્યારે દ્વારકાધીશ મંદિરમાં કોરીડોરનું નિર્માણ થનાર છે.વિશ્વમાં જામનગરની નોંધ લેવાય તે રીતે વડાપ્રધાનના આગ્રહ પ્રમાણે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગ્લોબલ ટ્રેડીશનલ મેડીસીન સિસ્ટમ રિસર્ચ સેન્ટર જામનગરમાં સ્થાપવા મંજુરી આપી છે અને આ ભવ્ય અને અત્યંત મહત્ત્વપૂર્ણ ગ્લોબલ સેન્ટરનું કામ પૂરજોશમાં ચાલું છે.પૂનમબેન માડમે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની વિવિધ યોજનાથી જામનગર જિલ્લાને ખુબ જ લાભ થયો છે, હાલમાં ભારતના આઝાદી કા અમૃત મહોત્સવની દેશભરમાં ઉજવણી થઇ રહી છે, જેના ભાગરુપે તા.30 એપ્રિલથી તા.30 જુન સુધી આ ઉજવણી કરવામાં આવશે, બેટ-દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં હજારો દર્શનાર્થીઓ આવે છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા દરિયામાં બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે જેનું કામ નજીકના ભવિષ્યમાં પૂર્ણ થશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આ સિગ્નેચર બ્રિજનું ઉદઘાટન થાય તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

સાંસદે જનધન યોજના, કિસાન કલ્યાણનિધિ સહાય યોજના, ઉજ્જવલા યોજના, ઉજાલા યોજના, કેન્દ્ર સરકારની આવાસ યોજનાઓનો ઉલ્લેખ કરી હાલારના બન્ને જિલ્લામાં લાભાર્થીઓને તેનો સીધો લાભ મળી રહ્યો હોવાની વિગતો આંકડાઓ સાથે રજૂ કરી હતી.

તેમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો ખાસ ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, કોરોના કાળથી શરૃ કરાયેલી આ યોજના આજે પણ ચાલુ છે અને હાલારમાં લાખો ગરીબ પરિવારોને દર મહિને વિનામૂલ્યે સરકાર તરફથી રાશન મળી રહ્યું છે, જેનાથી ગરીબ પરિવારોને મોટી રાહત મળી છે.

નવ વર્ષમાં નવા ભારતના નિર્માણનો સંકલ્પ સિદ્ધ થયો છે અને વડાપ્રધાનના વિધાન પ્રમાણે ભારત આગામી રપ વર્ષમાં વિશ્વમાં સંપૂર્ણ વિકસીત રાષ્ટ્ર બની રહેશે.

સાંસદ પૂનમબેન માડમે કેન્દ્ર સરકારની સિદ્ધિઓ અને વિકાસ કામો માટે ખાસ કરીને હાલારના બન્ને જિલ્લાઓના સંદર્ભમાં લોકોની જાગૃતિ અને પત્રકારોના સૂચન-રજૂઆતોને કારણભૂત જણાવી સૌનો આભાર માન્યો હતો.આયુષ્યમાન કાર્ડ વિશે બોલતા સાંસદે કહ્યું હતું કે, સીએલએસમાં માલિકીના મકાનો માટે મકાનદીઠ રુા.2.67 લાખ સહાય મળે છે જેમાં લાભાર્થીઓને 77.38 કરોડની સહાય આપવામાં આવી છે.

જામનગરમાં આયુષ્યમાનના લાભાર્થીઓ 118053, મો યોજનાના લાભાર્થી 275288 કુલ લાભાર્થી 394143ને રુા.82.04 કરોડ ચુકવાયા છે, દેવભુમિ દ્વારકા જિલ્લામાં પીએમજેવાયમાં 57634 લાભાર્થી, માઁ યોજનામાં 122606, કુલ લાભાર્થી 280140ને કુલ સહાય ચુકવાઇ છે.

જામનગરમાં કરોડોના ખર્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અંગત રસ લઇને રીચર્સ સેન્ટર બનાવવા ઉદઘાટન કર્યુ છે અને વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા માન્યતા પણ અપાઇ છે, તેનું નિર્માણ કાર્ય ચાલું છે, ચીન, જાપાન અને અન્ય દેશોમાં પ્રચલીત ચિકિત્સા પઘ્ધતિ દ્વારા સંશોધન કાર્ય થશે. 9 વર્ષમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને અનેક લાભો મળ્યા છે, આગામી દિવસોમાં બાકી રહેલા પ્રશ્ર્નો અંગે પણ અમો સતત કાર્યરત રહીશું.

આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આભારદર્શન શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરાએ કર્યું હતું. ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, જિ.પં. પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, મેયર બિનાબેન કોઠારી, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, પ્રશાંતભાઈ પરમાર, જીતુભાઈ લાલ, વિપુલભાઈ કોટક ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત બન્ને જિલ્લાના ભાજપના હોદ્દેદારો, મીડિયા સેલના ભાર્ગવ ઠાકર તેમજ હોદ્દેદારો, બન્ને જિલ્લાના પ્રિન્ટ અને ઈલે. મીડિયાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં, પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા પછી સુપ્રસિદ્ધ કલાકાર ભાષ્કર શુક્લ, વિદીતા શુક્લ, હેમન દવેનો સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો.