મહેસાણાના મહંતે સમાધિમાં દેહત્યાગની જાહેરાત કરી પરંતુ ભગવાન લેવા “ન” આવતા માંગી લોકોની માફી.

0
1601

મહેસાણાના મહંત સમાધિમાં દેહત્યાગ ન કરી શક્યા, લોકોની માફી માંગી

માફી માંગીને કહ્યું, ’હું ભક્તિ છોડી દઇશ, સજા ભોગવવા તૈયાર’

મહેસાણા તાલુકાના છઠીયારડા ગામના શબ્દ સંશોધન કેન્દ્ર આશ્રમમાં મહંત શપ્ત સૂનેએ રવિવારે રાતે 11 કલાકે સમાધિ લેવાની જાહેરાત કરી હતી. જોકે, તેનો નાટ્યાત્મક અંત આવ્યો છે અને તે સમાધિ લઇ શક્યા નથી.

મહંત રાતે 10થી 11 વાગ્યા સુધી મંચ પર ધ્યાનમાં શાંત બેઠા હતા. પરંતુ કલાક બાદ પણ સમાધિ ન થતા અંતે બોલ્યા હતા. હવે ખાડો કરી આપો હું સમાધિ લેવા તૈયાર છું. મને કુદરતી રીતે અનુભવ થયો હતો કે જીવ ચાલ્યો જશે પરંતુ એવું ન થયું. હું ભક્તોની માફી માંગુ છું. કાનૂની જે કાંઇપણ સજા હોય તે ભોગવવા તૈયાર છું. હવે હું ભક્તિ છોડી દઇશ.આજના બનાવથી મને ખૂબ દુ:ખ થયું છે. ગમે તેમ કરી મને સમાધિ આપો તેવી મહંતે અપીલ કરી હતી.

આ ઘટનાને પગલે વિજ્ઞાન જાથાની ટીમ અને ગામના તલાટીએ આ મહંત પર ગુનો દાખલ કરીને કાર્યવાહીની માંગ કરી હતી. વિજ્ઞાન જાથાના જયેશ પંડ્યાએ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, માત્ર પોતાના તરંગોને કારણે દેહત્યાગની જાહેરાત કરે અને હજારો લોકોને ભ્રમમાં નાંખે, અંધશ્રદ્ધા ફેલાવે તે માફ કરવા યોગ્ય નથી. સૌપ્રથમ તો તેણે સમાધિની જાહેરાત કરી છે તે જ ગુનો છે. આજે વિજ્ઞાન જાથા એસપી અને કલેક્ટરને રજૂઆત કરીશું કે, આની સામે પહેલા ગુનો દાખલ કરો, અમે ફરિયાદી થવા માટે તૈયાર છીએ. કોઇપણ મંજૂરી લીધા વગર આટલા બધા લોકોને ભેગા કર્યા છે, કોરોનાની ગાઇડલાઇનના નિયમોના ધજીયા ઉડાવ્યા છે. સામાન્ય કોઇપણ માણસ હોય તો તંત્ર તેની પર કાર્યવાહી કરે છે તો આવા બનાવોમાં પણ કાર્યવાહી થવી જોઇએ.

નોંધનીય છે કે, છઠીયારડા ગામના મહંતે 4 એપ્રિલના રોજ સમાધિ લેવાની જાહેરાત કરી હતી. 4 એપ્રિલે સમાધિ લેવા અંગેના કાર્યક્રમની પત્રિકાઓ પણ છાપવામાં આવી હતી. પત્રિકામાં 3, 4 એપ્રિલના રોજ અલગ અલગ કાર્યક્રમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સત્ય સંશોધન કેન્દ્ર કબીર ધામના મહંતે બે વર્ષ પહેલા જ આ અંગેની જાહેરાત કરી હતી.

જોકે, મહંતના પરિવારજનોએ અપીલ કરી હતી કે, મહંતે સમાધિ ન લેવી જોઈએ. આવા મહાપુરૂષની દેશને જરૂર છે એટલે અમે મહંતને સમાધિ ન લેવા માટેની અપીલ કરીએ છીએ. જોકે, સ્થળ પર આવેલા જિલ્લા પોલીસ વડાનું પણ કહેવું છે કે, મહંતે કોઈપણ પ્રકારનો ખાડો કરીને સમાધિ લેવાના નથી.