જામનગરમાં મહાશિવરાત્રિએ નિકળી ભવ્યાતિભવ્ય શિવશોભાયાત્રા
હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના ઉપક્રમે નગરમાં નિકળેલી શિવ શોભાયાત્રા ઉત્સાહભેર સંપન્ન
અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી અને શિવભક્ત ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પ્રભુસેવાનો લીધો લ્હાવો
દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર.
જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ ના નેજા હેઠળ આજે મહાશિવરાત્રિના પાવનકારી પર્વ નિમિતે પરંપરાગત રીતે ચાલીસમી ભવ્ય શિવ શોભાયાત્રા નિકળી હતી અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. બપોરે ચાર વાગ્યે પુરાણ પ્રસિધ્ધ સિધ્ધનાથ મહાદેવના મંદિરેથી પ્રારંભ થઇ કે. વી. રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, દિપક ટોકીઝ, ચાંદી બજાર, દરબાર ગઢ, બર્ધન ચોક, સેન્ટ્રલ બેંક રોડ, સેતાવાડ, હવાઇ ચોક, પંચેશ્વર ટાવર, નિલકંઠ ચોક થઇ ભીડભંજન મહાદેવના મંદિરે રાત્રે પૂર્ણ થઇ હતી. શોભાયાત્રામાં વિવિધ જ્ઞાતિના મંડળો, સ્વૈચ્છીક સંસ્થા, સંગઠનોના હોદે્દારો દ્વારા 22 થી પણ વધુ સુંદર આકર્ષક ફલોટ્સ તૈયાર કરાયા હતા અને હર હર મહાદેવના નારા સાથે આકાશ ગુંજી ઉઠતાં શિવમય વાતાવરણ બન્યું હતું. અંતમાં મુકાયેલી ભગવાન શિવજીની આશુતોષ સ્વરૂપની સુવર્ણ અલંકારોથી સજીત અને રજત મઢિત પાલખીના દર્શન માટે શહેરમાં તમામ સ્થળે દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડી હતી.
સિધ્ધનાથ મહાદેવના મંદિરથી બપોરે ચાર વાગ્યે શિવ શોભા યાત્રાનો પ્રારંભ થયો હતો. જયાં સાધુ-સંતો-મહંતો તેમજ જામનગર શહેરના રાજકીય આગેવાનો અને શહેરની જુદી-જુદી ધાર્મીક સંસ્થાના અગ્રણીઓએ ઉપસ્થિત રહી શિવ શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.આ તકે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી અને શિવભકતશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ મહાદેવની પાલખી ઉંચકી પ્રભુસેવાનો લ્હાવો લીધો હતો. શિવ શોભાયાત્રા નગર ભ્રમણ કરીને રાત્રીના ભીડભંજન મહાદેવના મંદિરે પૂર્ણ થઇ હતી. શોભાયાત્રાના માર્ગ પર જુદા જુદા 72 સ્થળોએ ભગવાન શિવજીની પાલખીનું પૂજન અર્ચન કરાયું હતું. શોભાયાત્રાના માર્ગ પર અનેક સ્થળોએ સ્થાનિક જગ્યાએ ભગવાન શિવજીની જુદી જુદી ઝાંખીના દર્શન સાથેના ફલોટસ તૈયાર કરવામાં આવ્યા હતા.
શિવ શોભાયાત્રામાં ભગવાન શિવજીની પાલખી ઉપરાંત જુદા જુદા 21 થી વધુ ચલીત ફલોટસ જોડવામાં આવ્યા હતા અને શોભાયાત્રામાં જોડાનારા શિવભકતો દ્વારા હર હર મહાદેવના ગગન ભેદી નારાઓ ગજાવવામાં આવ્યા હતા અને ડી.જે. ના તાલે તલવાર રાસ, લેજીંમના દાવ સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેને નિહાળવા અને ભગવાન શિવજીની પાલખીના દર્શન કરવા માટે શોભાયાત્રના સમગ્ર રૂટ પર ઠેર ઠેર ભાવીકોની ભીડ જોવા મળી હતી.
મહા શિવરાત્રિના પર્વને અનુલક્ષીને છોટી કાશીના તમામ શિવાલયોમાં પણ ચારેય પ્રહરની મહા આરતી કરવામાં આવી હતી અને રૂદ્રાભિષેક, જલાભિષેક દ્વારા ભગવાન શિવજીનું પૂજન અર્ચન કરાયું હતું અને છોટી કાશીના તમામ શિવાલયોમાં સમગ્ર દિવસ દરમિયાન દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી.